Mysamachar.in-રાજકોટ:
રાજકોટ-અમદાવાદ સિકસલેન ધોરીમાર્ગ અત્યંત મહત્ત્વનો છે, આ ધોરીમાર્ગ સમગ્ર સૌરાષ્ટ્રને રાજ્યના અન્ય ભાગો તથા અન્ય રાજ્યો સાથે લિંક અપ કરે છે, એ રીતે આ ધોરીમાર્ગ રાજયના અર્થતંત્ર માટે પણ ધોરીનસ સમાન છે પરંતુ સાથેસાથે એ પણ હકીકત છે કે, આ સિક્સલેન રોડ સૌથી વધુ કલંકિત છે, વિવાદી છે અને ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ લપેટાયેલો છે, જેને કારણે શાસનની પ્રતિષ્ઠા પર આ ધોરીમાર્ગ સૌથી મોટો ‘ડાઘ’ સાબિત થઈ રહ્યો છે.
લાખો સૌરાષ્ટ્રવાસીઓને ખબર છે કે, આ ધોરીમાર્ગ પર વરસોથી કામ ચાલે છે, જે કયારેય પૂર્ણ થતું નથી. સરકાર, તંત્ર અને કોન્ટ્રાક્ટરો આ ધોરીમાર્ગ પર ‘નાણાંની ખેતી’ કરી રહ્યા હોય, એવો ઘાટ છે. કોઈ એમ નથી પૂછતું કે, વરસો બાદ પણ આ કામ હજુ ચાલુ કાં ?! અને, આ કામની કવોલિટી પણ હંમેશા ચર્ચાઓમાં રહી છે. કેટલાંયે કોન્ટ્રાક્ટર આવી ને જતાં રહ્યા, કેટલાંયે કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલાં નાણાંનો હિસાબ કયારેય જાહેર થતો નથી, ટૂંકમાં અહીં કામની સાથેસાથે ઘણું બધું ચાલી રહ્યું છે છતાં શાસનને પોતાની આબરૂની લગીરેય ચિંતાઓ ન હોય, એવી લાલિયાવાડીઓ ધમધમી રહી છે. ઘણાં લોકો તો એવી પણ શંકાઓ કરી રહ્યા છે કે, કામના નામે કાયમ લીલાલહેર કરતાં સૌને શાસનના પણ આશિર્વાદ છે !!
આ ધોરીમાર્ગ પર હજારો અકસ્માત થાય છે, સેંકડો લોકોની જિંદગીઓ બલિ ચડે છે. અહીં રોજ કલાકો ટ્રાફિક જામ થઈ રહ્યો છે. મહામૂલું ઈંધણ વેડફાઈ રહ્યું છે. હજારો લોકોને લાખો કલાકોની નુકસાની વેઠવી પડે છે. ઈમરજન્સી કેસોમાં પણ અનેક જાતની હાલાકીઓ થઈ રહી છે. ધોરીમાર્ગના કામમાં વર્ષોથી વિલંબ થઈ રહ્યો છે. જેને કારણે સમગ્ર પ્રોજેક્ટની કિંમત અબજોમાં પહોંચી ગઈ છે. આ ધોરીમાર્ગની ડિઝાઇનમાં પણ કુંડાળાઓ ચાલે છે, પુલિયા તથા અન્ડરપાસ ગૂમ કરી દેવામાં આવે છે, મોટા અધિકારીઓ મલાઈ તારવી રહ્યા છે, કોન્ટ્રાક્ટરો પ્રજાની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. આટલી ભયાનક સ્થિતિઓ છતાં, બધાં જ સંબંધિત નેતાઓ મૂંગા રહે છે. રાજ્યના માર્ગ મકાન મંત્રીને તો જાણે આ રોડની કશી જ ખબર પણ નથી, એવી હાલત રેકર્ડ પર જોવા મળી રહી છે.
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, આ સિક્સલેન રોડ પ્રોજેક્ટ અગાઉ રૂ. 2,620 કરોડનો હતો. તેની ડિઝાઇન રાતોરાત બદલી નાંખવામાં આવી, 3 બ્રિજ ગૂમ કરી દેવામાં આવ્યા. 7 અન્ડરપાસને લાગતાવળગતા દ્વારા અદ્રશ્ય કરી દેવામાં આવ્યા. આ બધી બાબતોને કારણે આ પ્રોજેક્ટના કુલ ખર્ચમાં કરોડો રૂપિયાનો ઘટાડો થવો જોઈતો હતો, તેને બદલે રૂ. 2,620 કરોડનો આ રોડ રૂ. 3,350 કરોડનો બની ગયો. કલ્પના કરો, કેટલાં લોકોના સંતાનો સોનાના ઘૂઘરે રમતાં થયા હશે ??
આ સિક્સલેન રોડનું કામ 6 વર્ષ અગાઉ શરૂ થયું. 2020માં કામ પૂર્ણ કરવાનું હતું. 2024ના અંતે, નવેમ્બરમાં પણ આ કામ અધૂરૂં છે. શાસનની ગતિશીલતાનો અંદાજ આ પરથી લગાવી શકાય. રાજકોટ, કુવાડવા અને બગોદરા નજીક હજુ બ્રિજના કામો બાકી છે. શાસન કોન્ટ્રાક્ટરોને દંડ કરવાની માનસિકતા ધરાવતું નથી, અને ડિઝાઇનમાં બદલાવ કરી, કોન્ટ્રાક્ટરોને ફાયદો કરી આપવાની રમતો જગજાહેર ચાલી રહી છે.
તહેવારો અને વર્ષ દરમિયાન અહીં લાખો વાહનચાલકો અને મુસાફરો અનેક હાલાકીઓ વેઠે છે, માર્ગ મકાન તંત્રને શરમ નથી આવતી, માર્ગ મકાન મંત્રી કે સરકારને જરા પણ ક્ષોભ નથી. કયારેય, કોઈ સોરી બોલતું નથી. એવો નિયમ છે કે, આવા કામોના સ્થળે કોન્ટ્રાક્ટરના નંબર સહિતની ઘણી વિગતો લોકોની જાણકારીઓ માટે જાહેરમાં દર્શાવવી પડે, અહીં અચરજની વાત એ છે કે, તમારે કામ સંબંધિત જરૂરી વિગતો મેળવવી હોય તો, RTI અરજીઓ કરવી પડે ! શાસન અને માર્ગ મકાન તંત્ર શું અને શા માટે છૂપાવે છે? બધાં જ કામો સરકાર એજન્સીઓને આપી દે છે, અહીં પ્રશ્ન એ છે કે, તો પછી સરકારી તંત્રના લાખોનો પગાર લેતાં અધિકારીઓ અને કર્મચારીઓનું કામ શું છે ?! આ તમામ વિગતો એક RTI અરજીમાં બહાર આવી.