Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે ગર્ભધારણ, પંચમાસી, સીમંત અને પ્રસૂતિ એટલે કે બાળકનો જન્મ- આ ક્રમમાં દરેક પરિવારોમાં મંગલ પ્રસંગોની ગોઠવણી અને ધામધૂમથી ઉજવણીઓ થતી હોય છે અને પરિવારોમાં આનંદની છોળો ઉડતી હોય છે પરંતુ સરકારોના ગણિત પરિવારો કરતાં અલગ હોય શકે છે. હોય છે. સરકારમાં ‘પ્રસૂતિ’ ની વ્યવસ્થાઓ પહેલાં ગોઠવવામાં આવી અને હવે ‘સીમંત’ માટેનું મુહૂર્ત નક્કી કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
આ વાત જામનગરના એસટી ડેપોની છે. કોઈ પોતાના મકાનનું રિનોવેશન કરે તો પ્રથમ હંગામી વસવાટનું આયોજન કરે અને બાદમાં જૂના મકાનના રિનોવેશન કે પુન:નિર્માણની કામગીરીઓ હાથ ધરે. પરંતુ આ તો સરકાર છે. સરકારમાં કામનો ક્રમ સરકારના ‘આગવા ગણિત’ મુજબ નક્કી થતો હોય છે, જામનગર એસટી ડેપોની બાબતમાં પણ આમ થયું છે.
જામનગરમાં આગામી સમયમાં હાલના જૂના એસટી ડેપો અને વર્કશોપને તોડી પાડી ત્યાં નવા એસટી ડેપો સહિતના વિવિધ બાંધકામ કરવામાં આવશે અને સુવિધાઓમાં ઉમેરો કરવામાં આવશે એ જાહેરાત અગાઉ થઈ ચૂકી છે. આ બાબતે Mysamachar.in સાથેની વાતચીતમાં એસટીના વિભાગીય નિયામક બી.સી.જાડેજાએ જણાવ્યું છે કે, હાલના ડેપોના સ્થાને નવો ડેપો બનાવવા માટેની પાર્ટી નક્કી થઈ ચૂકી છે. કોન્ટ્રાક્ટર એજન્સીને સરકારે વર્ક ઓર્ડર આપી દીધો છે.
બી.સી.જાડેજાએ શહેરના એસટી ડેપોના હંગામી સ્થળાંતર અંગે જણાવ્યું કે, હંગામી બસ ડેપો પ્રદર્શન મેદાન ખાતે નિર્મિત કરવાની પ્રોસેસ એસટી નિગમની મધ્યસ્થ કચેરી તથા એસટીની બાંધકામ શાખામાં ગતિમાં છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પ્રદર્શન મેદાન એસટી સત્તાવાળાઓને હાલ આપી દેવામાં આવ્યું છે. પરંતુ અહીં હંગામી એસટી ડેપોના નિર્માણ માટેની પાર્ટીને વર્ક ઓર્ડર આપવા માટેની પ્રોસેસ મધ્યસ્થ કચેરીએ ચાલી રહી હોય, લાભપાંચમ પછીના આ દિવસોમાં વડી કચેરીએથી પાર્ટીને વર્ક ઓર્ડર મળી જતાં જ ડેપોના સ્થળાંતર માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે.