Mysamachar.in-જુનાગઢ:
નકલી જજ, પોલીસ, સચિવ, ટોલનાકું, મહાનુભાવનો સેક્રેટરી…નકલીની આ હારમાળા આગળ વધી રહી છે, હવે એક એવો શખ્સ ઝડપાયો છે જેણે આર્મીના નકલી કેપ્ટન તરીકે કેટલાંક લોકો સાથે છેતરપિંડીઓ કરી છે. આવી એક ફરિયાદના આધારે કોડીનારના બાવા પીપળીયાના આ શખ્સને પકડી લેવામાં આવ્યો છે. આ શખ્સનું નામ પ્રવિણ ધીરૂ સોલંકી છે.
જૂનાગઢના જોષીપુરા નામના વિસ્તારમાં રહેતો અને સ્પોર્ટ્સમાં રૂચિ ધરાવતો દિવ્યેશ ભરતભાઇ ભૂતિયા નામનો યુવાન ગત્ ફેબ્રુઆરી માસમાં ટ્રેનમાં પંજાબના જલંધર તરફ જતો હતો. ત્યાં નેશનલ સાયકલીંગ સ્પર્ધામાં તેને ભાગ લેવાનો હતો. ટ્રેન પ્રવાસ દરમ્યાન તેને એક એવા શખ્સ સાથે પરિચય થયો જે શખ્સે આર્મીનો યુનિફોર્મ ધારણ કરેલો હતો. આ શખ્સે દિવ્યેશને કહ્યું કે, પોતે કાશ્મીર આર્મીમાં ફરજ બજાવે છે. ભૂતકાળમાં દિલ્હીમાં પણ તેણે નેશનલ સિકયોરિટી એડવાઈઝરમાં ફરજો બજાવી હતી, એમ કહી આ શખ્સે આ યુવાનને એવો ભરોસો અપાવ્યો કે, તેના છેડા ઉંચા છે.
ત્યારબાદ આ શખ્સે દિવ્યેશને કેટલાંક આર્મી કાર્ડ, પગારની સ્લીપ વગેરે દેખાડી આંજી દીધો અને એવી લાલચ આપી કે, રેલ્વેમાં સ્પોર્ટ્સ કવોટામાં તે પોતાની ઓળખાણથી દિવ્યેશને રેલ્વે એન્જિન પાયલોટની નોકરીમાં ગોઠવી દેશે. ત્યારબાદ આ શખ્સે આ ફરિયાદી યુવાન સાથે પરિચય અને સંપર્ક વધારી દીધાં. ફોનનંબરની પણ તે દરમિયાન આપ-લે થઈ હતી. ત્યારબાદ આ શખ્સે નોકરીના બદલામાં રૂ. 6 લાખની આ યુવાન સમક્ષ માંગ કરેલી અને આ યુવાને આ શખ્સને રૂ. 3.05 લાખ ડિજિટલી ટ્રાન્સફર પણ કર્યા હતાં.
બાદમાં મહિનાઓ સુધી આ શખ્સે આ યુવાનને બહાના દેખાડયે રાખ્યા. ન નોકરી મળી, ન પૈસા પરત આવ્યા. અને આ શખ્સે યુવાનને એમ પણ ધમકી આપી કે, જો ફરિયાદ કરીશ તો તકલીફ પડી જશે, આર્મીમાં છું. આખરે દિવ્યેશ નામના આ યુવાને આ પ્રવિણ નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી. પોલીસે પ્રવિણને તેના ગામ બાવા પીપળીયાથી ઉપાડી લીધો છે. ( સરકારી નોકરી માટે કોઈને નાણાં આપવા, તે ગુનો નથી ?!).
પોલીસે આરોપી પાસેથી કાર્ડ વગેરે તથા નકલી યુનિફોર્મ કબજે લીધો છે. કેપ્ટન રેંકનો આ યુનિફોર્મ તેણે દિલ્હીથી મેળવી લીધો હતો. નકલી કાર્ડ પણ દિલ્હીથી મેળવી લીધાં હતાં. પોલીસ કહે છે, આ શખ્સે કુલ 6 વ્યક્તિઓ સાથે આવી રીતે છેતરપિંડીઓ કરી છે. આ રીતે તેણે રૂ. દસેક લાખની છેતરપિંડીઓ આચરી છે. આ શખ્સ ધોરણ 12 પાસ છે અને પોતે રાજ્યસેવક ન હોવા છતાં, રાજ્યસેવક હોવાનો દાવો કરતો હોય તેના વિરુદ્ધ એ કલમ પણ દાખલ કરવામાં આવી છે.