Mysamachar.in-જામનગર
જામનગરની જિલ્લા સહકારી બેંક માટે આમ જૂઓ તો, છેતરપિંડીઓ અને ઉચાપત તથા રેકર્ડ સાથે ચેડાં જેવા કરતૂતોની કોઈ નવાઈ નથી, એમાંયે આવી બાબતો માટે જામજોધપુર પંથક વધુ ‘જાણીતો’ રહ્યો છે, આ વિસ્તારમાં વધુ એક વખત ઉચાપતની ફરિયાદ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ મામલામાં બેંક મેનેજરે કેશિયર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે અને છેતરપિંડી ‘તાજી’ છે.
લાલપુરમાં નવી પ્રાંત કચેરી વિસ્તારમાં રહેતાં અને જિલ્લા સહકારી બેંકની વાંસજાળિયા શાખા (જામજોધપુર તાલુકો)માં કાર્યકારી મેનેજર તરીકે નોકરી કરતાં રાહુલ પંડ્યાએ ગત્ રાત્રે 12:30 કલાકે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે જેમાં જણાવાયું છે કે, બેંકના કેશિયર દ્વારા બેંકમાંથી હાલના દિવસોમાં લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. આ બનાવ બેંકની વાંસજાળિયા શાખામાં ગત્ 23 થી 28 ઓક્ટોબર દરમિયાન બેંકના કામકાજના સમય દરમિયાન બન્યો.
ફરિયાદી મેનેજર કહે છે: ઉચાપત કરનાર આરોપી ધવલ મનસુખ સાદરીયા બેંકની આ શાખાના કેશિયર હોવાથી, આરોપીએ ફરિયાદી મેનેજરને ભરોસામાં લઈ, ફરિયાદી પાસેથી બેંકની તિજોરીની ચાવી મેળવી લીધી. આ ઉપરાંત ગુનાનો જે સમયગાળો છે એ સમયગાળા માટે બેંકની તિજોરીની કેશ સમરીમાં ફરિયાદી મેનેજરની સહીઓ પણ આરોપીએ મેળવી લીધી હતી. અને, આ બધી બાબતોનો ઉપયોગ કરી આરોપીએ બેંકની તિજોરીમાં રહેલી રોકડમાંથી રૂ. 34,45,000 ઉપાડી લીધાં. અને આ રકમ આરોપી પોતાના અંગત કામ માટે લઇ ગયો. આ રીતે બેંકના નાણાંની ઉચાપત કરી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઉચાપતનો આ મામલો રસપ્રદ લેખી શકાય. ફરિયાદીએ જે રીતે આરોપી કેશિયરને તિજોરીની ચાવી સોંપી દીધી અને બેંકની તિજોરીની કેશ સમરીમાં એડવાન્સમાં સહીઓ કરી આપી અને કેશિયર પર નાણાંની બાબતમાં ‘ભરોસો’ રાખ્યો, આ બધી જ બાબતો ફરિયાદીએ ખુદે ફરિયાદમાં જણાવી છે. બેંક શાખાના મેનેજર તરીકે આ ફરિયાદીએ આ બધી બાબતો નિયમો અનુસાર કરી હતી કે અન્ય કોઈ રીતે ? તે તપાસનો વિષય લેખી શકાય. અને, આરોપી કેશિયરે પોતાના ઉપરી અધિકારીને નિયમ વિરુદ્ધ ભરોસામાં કેવી રીતે લઈ લીધાં ? એ પણ તપાસનો વિષય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લા સહકારી બેંક માટે જામજોધપુર પંથક આ પ્રકારના પરાક્રમ બાબતે વર્ષોથી ‘જાણીતો’ છે. ભૂતકાળમાં પણ ઘણાં કાંડ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા છે. ઘણાં બેંક કર્મચારીઓની નોકરી પણ કાંડમાં ગઈ છે. આ એક નવો કાંડ સામે આવ્યો.