Mysamachar.in-અમદાવાદ:
અદાલતો પર કેસોનું ભારણ ઘટવાનું નામ લેતું નથી, પડતર કેસોની સંખ્યા હંમેશા તોતિંગ જ રહેવા પામે છે, તેનો એક અને સીધો અર્થ એ થઈ શકે કે, અદાલતો પરનો બોજ ઘટાડવા કરવામાં આવેલાં ઉપાયો પર્યાપ્ત નથી અને પૂરતાં પરિણામલક્ષી પણ નથી. આટલાં દાયકાઓથી આપણે આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેનો એક અર્થ એવો પણ થઈ શકે કે, આ દિશામાં કાં તો આપણે પૂરતી નિષ્ઠા ધરાવતાં નથી અથવા આપણે સક્ષમ નથી. આપણે આપણી ક્ષમતાઓ વિકસાવવી પડશે અને યોગ્ય દિશામાં ઝડપભેર દોડવું પડશે.
અદાલતોમાં પડતર લાખો કેસ, કરોડો લોકોની જિંદગીઓને માઠી અસરો પહોંચાડી રહ્યા છે, અને ખુદ સુપ્રિમ કોર્ટ તથા વડી અદાલત પણ પડતર કેસોની સંખ્યા મુદ્દે અનેકવખત નારાજગીઓ વ્યક્ત કરી ચૂકી છે, પછી પણ પરિસ્થિતિઓને આપણે સંતોષકારક કે ગૌરવપૂર્ણ બનાવી શક્યા નથી- અદાલતોમાં પડતર કેસોની સંખ્યા આવા સંકેતો આપે છે.
રાજ્યની વડી અદાલતમાં 1.70 લાખ કેસ પડતર છે. જે પૈકી 1.15 લાખ કેસ દીવાની પ્રકારના અને 54 હજારથી વધુ કેસ ફોજદારી પ્રકારના છે. રાજ્યની તમામ જિલ્લા તથા તાલુકામથકોએ આવેલી બધી જ નીચલી અદાલતોની વાત કરીએ તો, રાજ્યમાં કુલ 16 લાખ જેટલાં કેસ પડતર છે. વરસોથી રાજ્યભરમાં બધે જ, લોકઅદાલતો યોજાઈ રહી છે, હજારો કેસોમાં સમાધાન થઈ રહ્યા છે, પછી પણ સ્થિતિઓ આ છે. નવા કેસોનો પણ સતત ઉમેરો થઈ રહ્યો છે.
અદાલતો માટેની ઈમારતોની સંખ્યા વધારવામાં તંત્રને જેટલી દીલચસ્પી હોય છે, એટલો રસ અદાલતો અને સ્ટાફ વધારવામાં હોતો નથી, પડતર કેસો વધવાના કેટલાંક મહત્વપૂર્ણ કારણોમાં એક કારણ આ પણ છે. લોકઅદાલતોની ફ્રિક્વન્સી પણ વધારી શકાય. વધુ ને વધુ કામગીરીઓ કોમ્પ્યુટરાઈઝડ અને ઓનલાઈન કરી શકાય. નવા ઉપાયો શોધવા પરંપરાઓથી હટ કે પણ વિચારી શકાય.
રાજ્યની નીચલી અદાલતોમાં 77 હજાર કેસ તો એવા છે જે 10 વર્ષ કરતાં જૂના છે. અને, 4,641 કેસ તો 25 વર્ષ કરતાં પણ વધુ જૂના. આ પ્રકારના કેસોના નિકાલ માટે વિશેષ આયોજનો વિચારી ન શકાય ? દીવાની અને ફોજદારી કેસોની માફક લેબર કોર્ટ સંબંધિત કેસો પણ મોટી સંખ્યામાં પડતર છે. એ જ રીતે ફેમિલી કોર્ટમાં પણ કેસોનો ભરાવો થઈ રહ્યો છે. દર વર્ષે આવા આંકડાઓ જ જાહેર કરતાં રહીશું કે, સમાજ-શાસન તરીકે આપણે, આ સમસ્યાનો અસરકારક હલ પણ શોધીશું ? એ પ્રશ્ન મહત્વપૂર્ણ છે.