Mysamachar.in-અમદાવાદ:
સાયબર ગુનાઓ સતત વધી રહ્યા છે. બેંકો અને રેલ્વે સહિતના સરકારી સંસ્થાનોની ભળતી લિંકના આધારે પણ સાયબર છેતરપિંડીઓ આચરવામાં આવી રહી છે ત્યારે, કોનો ભરોસો કરવો એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. ખુદ SBI એ આવા એક મેસેજને ફેક ગણાવી, ગ્રાહકોને ચેતવતું એલર્ટ જાહેર કર્યું છે.
SBI એ પોતાના એક્સ હેન્ડલ પર સત્તાવાર જાહેરાત કરી છે કે, અમારાં કેટલાંક ગ્રાહકોને ફેક મેસેજ મળી રહ્યા છે. મેસેજમાં એમ કહેવામાં આવે છે કે, તમારાં રિવોર્ડ પોઈન્ટ જલ્દી સમાપ્ત થઈ રહ્યા છે. આ સ્થિતિમાં શક્ય તેટલી વહેલી તકે તેને રીડિમ કરો. આ સાથે એક લિંક પણ મેસેજમાં આપવામાં આવે છે. આ મેસેજ વોટ્સએપ અથવા SMS પર આવી શકે છે.
આ અંગે SBI એ એલર્ટ આપ્યું છે કે, બેન્ક કયારેય આવા મેસેજ મોકલતી નથી. આથી ગ્રાહકોએ આવી કોઈ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે, બેંક દરેક ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને રિવોર્ડ પોઈન્ટ મોકલે છે. આ પ્રકારના દરેક પોઈન્ટની કિંમત 25 પૈસા હોય છે.