Mysamachar.in-અમદાવાદ:
દર વર્ષ કરતાં ગુજરાતમાં અને દેશમાં આ વર્ષે શિયાળાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા અનુસાર, આ પ્રકારની સ્થિતિઓનું કારણ અલ નીનોની અસરો છે. જો કે, હવામાન વિભાગ એમ પણ કહે છે કે, આ અલ નીનો અસરોને કારણે જ વિલંબથી શરૂ થનારો શિયાળો ખૂબ આકરો રહી શકે છે. મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચે બહુ મોટો ફરક નહીં રહે, એટલે કે દિવસે પણ સખત ઠંડીનો અનુભવ થશે.
સામાન્ય રીતે આ દિવસોમાં સત્તાવાર રીતે શિયાળાનું આગમન થઈ ચૂક્યું હોય છે પરંતુ આ વર્ષે ઓક્ટોબર સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાથી નવેમ્બરમાં પણ હજુ પરંપરાગત ઠંડી શરૂ થઈ નથી. મોડી રાત્રે તથા વહેલી સવારે એકદમ સામાન્ય ઠંડક અનુભવાય છે એટલું જ. દિવસના સમયે વાતાવરણ હજુ પણ ગરમ રહે છે.
હવામાન વિભાગ કહે છે: નવેમ્બર માસના બીજા પખવાડિયા બાદ નિયમિત ઠંડકનું આગમન થશે. જો કે એ પછીના પંદર જ દિવસમાં એટલે કે, ડિસેમ્બરના પ્રારંભથી જ તીવ્ર શિયાળાનો અહેસાસ થઈ શકે છે. હાલમાં સમગ્ર રાજયમાં લોકો દિવસ દરમિયાન ગરમ વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. નવેમ્બરની 15 તારીખ બાદ આ સ્થિતિમાં ફેરફાર આવી શકે છે.