Mysamachar.in-
જામનગર શહેર અને જિલ્લામાં દીપાવલી પર્વ દરમિયાન કયાંય પણ આગના નાનામોટા બનાવ બને તો, ઓછામાં ઓછાં સમયમાં ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી શકાય અને નુકસાનને બને તેટલું ઓછું રાખી શકાય તે માટે દીવાળી પર્વ અગાઉ જ મહાનગરપાલિકાની ફાયર શાખાએ ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્નોઈના માર્ગદર્શનમાં કેટલીક તૈયારીઓ કરી લીધી હતી. સૌ કર્મચારીઓને રાઉન્ડ ધ કલોક જવાબદારીઓ સોંપવામાં આવી હતી, વાહનો સજ્જ રાખવામાં આવ્યા હતાં. દીવાળીના દિવસે અને રાત્રે 24 કલાકમાં માત્ર શહેરમાં જ આગના નાનામોટાં 27 બનાવ નોંધાયા. જો કે કયાંય મોટી કે જીવલેણ આગ લાગી ન હતી, તેથી ફાયર શાખાએ રાહતનો શ્વાસ લીધો છે.
ફાયર શાખાના જણાવ્યા અનુસાર, ગત્ રોજ ગુરૂવારે 24 કલાક દરમિયાન ફાયરબ્રિગેડને આગના કુલ 27 કોલ મળેલ હતાં. જે પૈકી 2 બનાવ નોંધપાત્ર હતાં અને આગના અન્ય 25 બનાવ નાના અને છમકલાં જેવા હતાં. બે નોંધપાત્ર બનાવ પૈકી એક બનાવ એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં અને બીજો બનાવ મંગલબાગ વિસ્તારમાં નોંધાયો હતો.
ફાયરબ્રિગેડે જણાવ્યું કે, કોઈ અજાણ રાહદારીના ફોનના આધારે એક આગ બૂઝાવવા ફાયર શાખાની ટૂકડી સરૂ સેક્શન નજીકના એમપી શાહ ઉદ્યોગનગરમાં પહોંચી હતી. જ્યાં એક ગોદામમાં આગ લાગી હતી. જો કે ગોદામના માલિક કે ઉદ્યોગના કોઈ કામદારો આ તકે હાજર ન હતાં. ફાયર શાખાએ પાણીના બે બંબાનો ઉપયોગ કરી, અહીં આગ બૂઝાવી હતી. નુકસાન જાણી શકાયું નથી.
આ ઉપરાંત આગનો અન્ય એક નોંધપાત્ર બનાવ શહેરના ગુરૂદ્વારા ચાર રસ્તા નજીક મંગલબાગ વિસ્તારમાં બન્યો હોવાનો કોલ ફાયરબ્રિગેડને પ્રાપ્ત થયો હતો. ફાયરશાખાની ટૂકડીએ મંગલબાગ વિસ્તારમાં પહોંચી જઈ, એક ઈનોવા કાર, એક મારૂતિ કાર અને એક ટુ વ્હીલરમાં લાગેલી આગ બૂઝાવી હતી. આગના અન્ય 25 બનાવ એકદમ નાના અને છમકલાં સમાન હતાં, જેમાં કચરો અથવા ભંગાર ચીજોમાં સાવ સામાન્ય આગ લાગવાના બનાવોનો સમાવેશ થતો હતો. આમ, શહેરમાં દીવાળીની રાત એકંદરે હેમખેમ પસાર થતાં ફાયર શાખાએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે જો કે એ પણ ઉલ્લેખનિય છે કે, શહેરમાં લોકોએ કોઈ જ પ્રકારના નિયંત્રણ વગર, મનફાવે એ રીતે પરોઢિયા સુધી ફટાકડા ફોડવાનો આનંદ માણ્યો હતો.