Mysamachar.in-રાજકોટ:
અમદાવાદ અને મુંબઈ તથા સુરતની માફક સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કેટલાંક એવા લોકો પાસે રૂપિયો એટલો ‘મોટો’ બની ગયો છે કે, આ અમીર પરિવારોની છકી ગયેલી ઔલાદો કાયદો હાથમાં લેવાની અને શ્રીમંતાઈનો ઢોલ પીટવાની વિકૃત માનસિકતાનો શિકાર બની રહી છે, આવા તત્વો ગીચ શહેરી રસ્તાઓ પર તથા ધોરીમાર્ગો પર માતેલા સાંઢ માફક વાહનો ચલાવી નિર્દોષ લોકોની જિંદગીઓ પર ઘણાં કિસ્સાઓમાં મોતની ચાદર પાથરી દે છે અથવા વાહનો અતિ ગતિએ ભગાડી હજારો રાહદારીઓ અને અન્ય વાહનચાલકોને ફફડાટની હાલતમાં મૂકી દેતાં હોય છે,
તમામ શહેરોમાં, જ્યાં સુધી આ માતેલા સાંઢ અકસ્માત ન સર્જે ત્યાં સુધી, સ્થાનિક પોલીસકર્મીઓ અને પોલીસ અધિકારીઓ પણ નાણાં તથા વગના પ્રભાવ હેઠળ મૂંગા મોંએ બધું જોયે રાખતા હોય છે અથવા તો આંખ આડા કાન કરતાં રહે છે. કાલે દીવાળીના દિવસે, આવો વધુ એક બનાવ રાજકોટ શહેરના ગીચ વિસ્તારમાં બનતાં લોકોમાં ભારે ગભરાટ વ્યાપી ગયો હતો. જેમાં ઘવાયેલા બે લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદનો વિસ્મય શાહ અકસ્માત હોય કે તથ્ય પટેલ અકસ્માત- સ્થાનિક પોલીસ બધાં જ મામલાઓમાં લાજ કાઢતી વહુની ભૂમિકાઓ ભજવતી રહે છે અને આવા અકસ્માતના સ્થળોએ સીસીટીવી કેમેરાની ખામી સહિતની ક્ષતિઓ અને બેદરકારીઓ પણ બનાવ બની ગયા પછી, ચર્ચાઓમાં આવતી હોય છે. ત્યાં સુધી સૌ જવાબદારો ફાંકાફોજદારીમાં વ્યસ્ત રહેતાં હોય છે.
રાજકોટના કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં કાલે દીવાળીની રાત્રે કાળા કલરની એક ફોરચયુનર કાર યમદૂત જેવા સ્વરૂપમાં પૂરપાટ ગતિએ દોડી. કારચાલકે નશો કર્યો હોવાની પણ વાત છે. આ કારે નવેક જેટલાં વાહનોને ફૂટબોલ કરી દીધાં, આ ભયાનક કાંડમાં અડધો ડઝન જેટલાં લોકો હડફેટમાં આવી જતાં, તેમને ઈજાઓ પહોંચી, જે પૈકી 2 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે. ઘમાસાણ મચાવનાર કારના નંબરમાં ચાર નવડા હોવાનું જાહેર થયું છે અને કાર ચલાવનાર શખ્સનું નામ હીરેન પ્રસાદીયા હોવાનું બહાર આવ્યું છે. બનાવના સમયે આ તોફાની કારમાં ચાલક હીરેન સહિત 3 વ્યક્તિઓ હતી, જેમાં એક મહિલા હોવાનું જાહેર થયું છે. સ્થાનિક પોલીસે અકસ્માત અને ઈજાઓ સંબંધેની વિવિધ કલમો લગાડી, ગુનો દાખલ કરી, કારચાલકની શોધખોળ આદરી. આ બનાવ રાજકોટ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.