Mysamachar.in-જામનગર:
રખડતાં પશુઓને કારણે શહેરમાં, ગ્રામ્ય વિસ્તારમાં અને ધોરીમાર્ગો પર સર્જાતા અકસ્માતોમાં નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા હોવા છતાં, રખડતાં પશુઓની સમસ્યાઓને સત્તાવાળાઓ દ્વારા ગંભીર લેખવામાં આવી રહી ન હોય, નિર્દોષ લોકોની બલિ ચડી રહી છે. આવો વધુ એક બનાવ જામનગર નજીકના ચેલા ગામના યુવાન સાથે બન્યો છે. રખડતાં પશુએ એમનો ભોગ લીધો છે.
જામનગર નજીકના ચેલા ગામમાં રહેતાં પરેશસિંહ ભીમસંગ રાઠોડએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું છે કે, 24મી ઓક્ટોબરે સાંજે સાડાસાત વાગ્યા આસપાસ, તેમના 42 વર્ષના મોટાભાઈ કિશોરસિંહ ભીમસંગ રાઠોડ પોતાનું મોટરસાયકલ લઇ કારખાનેથી ઘર તરફ જઈ રહ્યા હતાં ત્યારે, જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર સીએનજી પંપ નજીકના વિસ્તારમાં અચાનક એક મોટો ખૂંટીયો રોડ પર ચડી આવ્યો હતો અને જોરથી કિશોરસિંહના મોટરસાયકલ સાથે અથડાઈ જતાં, કિશોરસિંહ મોટરસાયકલ સહિત રોડ પર ફેંકાઈ ગયા હતાં અને આ અકસ્માતમાં કિશોરસિંહને માથાં સહિતના અંગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેમને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલાં કિશોરસિંહનું મૃત્યુ નીપજયું હતું.
અકસ્માત મોતના અન્ય એક બનાવમાં, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં આશાબા કુલદીપસિંહ વાઢેરએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું છે કે, તેમના 38 વર્ષના પતિ કુલદીપસિંહ બળવંતસિંહ વાઢેરએ ઘરમાં, સાડી વડે ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. આ ઉપરાંત, અકસ્માત મોતનો અન્ય એક બનાવ, મેઘપર પોલીસમાં જાહેર થયો છે. જેમાં રાજકોટના રૂપેશભાઈ જગુભાઈ ખાચરએ એમ જાહેર કર્યું છે કે, તેમનો 24 વર્ષનો પુત્ર રાજવીરસિંહ મોટી ખાવડી નજીકની ગ્રીન ટાઉનશિપમાં રહેતો હતો. તે પોતાના રહેણાંકમાં સૂતો હતો ત્યારે, અચાનક બેભાન બની ગયો. બાદમાં તેને મોટી ખાવડીમાં આવેલાં ખાનગી કંપનીના મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો જ્યાં તબીબે હાર્ટએટેકથી આ યુવાનનું મોત થયાનું જાહેર કર્યું છે.
આ ઉપરાંત મોતનો અન્ય એક ચકચારી બનાવ જોડીયા પોલીસમાં નોંધાયો છે. ફરિયાદમાં એમ જાહેર થયું છે કે, આ બનાવમાં મોતના પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ થયો છે. આ મામલાએ જોડીયા પંથકમાં ચકચાર જગાવી છે. એક વાડીમાં ફરતે ગેરકાયદેસર રીતે ગોઠવવામાં આવેલો વીજતાર એક વ્યક્તિને ભરખી ગયો છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જોડીયાના લીંબુડા-ખીરી ગામની સીમમાં જીતેન્દ્ર માધવજીભાઈ ગાંભવાની વાડીમાં ખેતમજૂરી અર્થે વસવાટ કરતી 23 વર્ષની આદિવાસી મહિલા રેખાબેન લાલુભાઈ સહેપસિંહ અજનારે પોલીસમાં જાહેર કર્યું છે કે, ભાયાભાઈ નારણભાઈ કંડોરિયાએ પોતાની વાડીમાં, મગફળીના પાક ફરતે ગેરકાયદેસર રીતે વીજવાયર પાથરી દીધાં છે. આ વીજવાયર તેણે પોતાના માણસ કાલુ ભૂરસિંહ બુંદેડીયાને કહીને પથરાવ્યા હતાં. આ વીજવાયરમાં ઈલેક્ટ્રીક પાવર ચાલુ કરવામાં આવેલો. આ સમયે ફરિયાદીના પતિ લાલુભાઈ સહેપસિંહ અજનાર કોઈ કારણસર આ જીવતાં વીજવાયરને અડી ગયા હતાં. આથી વીજશોકને કારણે લાલુભાઈનું મોત થયું. બાદમાં આરોપી કાલુ બુંદેડિયાએ આ અંગે આરોપી ભાયાભાઈને જાણ કરી.
ફરિયાદમાં જણાવાયા અનુસાર, આરોપી ભાયાભાઈએ મૃતક લાલુભાઈની લાશ અન્ય જગ્યાએ ફેંકી દેવા કાલુ બુંદેડિયાને સૂચના આપી. ત્યારબાદ, કાલુ તથા કાલુની પત્ની કારીબેને લાલુભાઈની લાશ બનાવના સ્થળેથી ઉપાડી અન્ય જગ્યાએ ફેંકી, પુરાવાનો નાશ કરવાના આ પ્રયાસમાં મદદગારી કરી, એમ જણાવી મૃતકના પત્ની રેખાબેને કાલુ તથા તેની પત્ની કારીબેન તેમજ ભાયા નારણભાઈ કંડોરિયા એમ ત્રણ વિરુદ્ધ મનુષ્યવધનો ગુનો દાખલ કરાવ્યો છે.