Mysamachar.in-અમદાવાદ:
તાજેતરમાં દીવાળી તહેવારોને કારણે ટ્રેનોમાં અને તેને કારણે તમામ રેલ્વે સ્ટેશનો પર અતિશય ભીડ રહે છે, પશ્ચિમ રેલ્વેના ઘણાં સ્ટેશન પર તો ભીડ ઘટાડવા પ્લેટફોર્મ ટિકિટ આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રવાસીઓને આવાગમન સમયે વધુ સુવિધાઓ પ્રદાન કરવા, પ્રવાસી સાથેના સામાનના જથ્થા અને કદ પર પણ વિવિધ નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. જો કે આ નિયંત્રણ હંગામી છે. આઠ નવેમ્બરની રાત્રિના બાર વાગ્યા સુધી સામાન સંબંધિત આ નવા નિયંત્રણો લાગુ રહેશે.
જો તમે આઠ નવેમ્બર સુધીમાં ટ્રેન મુસાફરી કરવા ચાહો છો તો તમારે તમારી સાથેના વધારાના સામાન સંબંધે, અગાઉથી રેલ્વે સત્તાવાળાઓનો સંપર્ક સાધી, સામાન અંગેના નવા નિયમોની જાણકારીઓ મેળવી લેવી જોઈએ. નહીંતર તમારે દંડ ભરવો પડી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં તહેવાર દરમિયાનની ભીડને કારણે કેટલાંક રેલ્વે સ્ટેશન પર ભાગદોડ પણ સર્જાઈ હતી. અને તેમાં ઘણાં મુસાફરોને ઈજાઓ પણ થઈ હતી. આવા બનાવો ટાળવા રેલ્વે સત્તાવાળાઓએ હવે વધારાના સામાન પર પણ નવા અને હંગામી નિયંત્રણો જાહેર કરી દીધાં છે.