Mysamachar.in-જામનગર:
દીવાળીના તહેવારો શરૂ થાય એ અગાઉ શહેર અને જિલ્લામાં લાખો ફૂટ જગ્યાઓ પર રિટેલ સ્ટોલથી માંડીને મેગા મોલ સુધીની ફટાકડા બજારો ગોઠવાઈ જતી હોય છે, માત્ર એક જ સપ્તાહની અંદર આ તમામ ધંધાર્થીઓ કરોડો રૂપિયાના ફટાકડાઓનું વેચાણ કરી લેતાં હોય છે અને લાખો રૂપિયાનો નફો ગજવામાં લેતાં હોય છે. આ તોતિંગ બિઝનેસમાં સરકારની તિજોરીને કોઈ આવક થાય છે કે કેમ ? તે અંગે ખાસ કરીને GST અધિકારીઓ દર વર્ષે મૌન રહેતાં હોય, લોકો તંત્ર પ્રત્યે જાતજાતની શંકાઓ વ્યક્ત કરતાં હોય છે.

જામનગર શહેર અને જિલ્લાની જ વાત કરીએ તો, આ પંથકમાં દર વર્ષે લાખો ચોરસફૂટ જગ્યાઓ પર ફટાકડાના વિશાળ મેગા મોલ ગોઠવાઈ જતાં હોય છે. આ મોટાં ધંધાર્થીઓ પોતાના આ બિઝનેસની જાહેરાતો પાછળ પણ ધૂમ ખર્ચ કરતાં હોય છે. આ ઉપરાંત સમગ્ર શહેર અને પંથકમાં સેંકડો જગ્યાઓ પર ફટાકડાના નાનામોટાં સ્ટોલ અને ફટાકડાબજારો ખૂલી જતી હોય છે. આ તમામ ધંધાર્થીઓ કરોડો રૂપિયાના ફટાકડાઓનું વેચાણ કરતાં હોય છે અને લાખો રૂપિયાનો ધંધો કરતાં હોય છે. જો કે, આ બિઝનેસમાં સરકારની તિજોરીને GST ની કેટલી આવક થાય છે અથવા GST ની ચોરીઓ થઈ રહી છે કે કેમ ? તે અંગે કોઈ જ તપાસ કરવામાં આવતી નથી. આથી સમગ્ર મામલો શંકાઓના દાયરામાં રહે છે.

ફટાકડાના નાનામોટાં ધંધાર્થીઓ GST નંબર ધરાવે છે, નોંધાયેલા વેપારીઓ છે કે કેમ, દર વર્ષે કેટલાં કરોડના કુલ ફટાકડાની ખરીદીઓ થાય છે, કેટલાં કરોડના ફટાકડાનું વેચાણ થાય છે, ધંધાર્થીઓ GST વસૂલે છે કે કેમ, ધંધાર્થીઓ સરકારને GST ચૂકવે છે કે કેમ, ફટાકડાના સ્ટોલ, ફટાકડા બજારો અને ફટાકડાના મેગા મોલમાં GST પેઈડ બિલો બને છે કે કેમ, દર વર્ષે ફટાકડા વ્યવસાયમાં જામનગર GST તંત્રને કોઈ આવક થાય છે કે કેમ- આ તમામ ફટાકડા સંગ્રહ અને વેચાણ કેન્દ્રો પર GST અધિકારીઓ ચેકિંગ કરે છે કે કેમ- આ પ્રકારની કોઈ જ વિગતો, જામનગરમાં કયારેય જાહેર થતી નથી. અન્ય શહેરોમાં GST નંબર આ વ્યવસાયમાં ફરજિયાત હોય છે. તેના અહેવાલો પણ પ્રગટ થતાં રહે છે. જામનગરમાં તંત્ર આ મુદ્દે કાયમ મૌન રહેતું હોય, ઘણાં પ્રકારના કુંડાળાઓની ચર્ચાઓ દર દીવાળી પર ગાજતી રહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ફટાકડાની દરેક આઈટમ પર 18 ટકા GST છે, જો કે ફટાકડા પર સેસ નથી. પરંતુ સંબંધિત કચેરીએ દીવાળી તહેવાર પર આ અંગે જાહેર સ્પષ્ટતાઓ કરવી જોઈએ એવું જાણકાર નગરજનો માની રહ્યા છે.(સિમ્બોલિક ઈમેજ )
