Mysamachar.in-જામનગર:
દીવાળીના તહેવાર શરૂ થવાને હજુ અમુક કલાકોની વાર છે, ત્યાં જ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા જામનગર સહિત સમગ્ર રાજ્યના બાંધકામ ક્ષેત્રને ‘વિટામિન’ નો ડોઝ આપી દેવામાં આવ્યો હોય, આ લોબીની દીવાળી સુધરી ગઈ છે. જો કે, સરકાર દ્વારા એવું કહેવાયું છે કે, આ નિર્ણયથી મધ્યમ વર્ગના લોકોને પ્રમાણમાં સસ્તા દરે નવા મકાનો મળી શકશે.
સરકાર તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે, અત્યાર સુધી એવી સિસ્ટમ હતી કે, શહેરોની આસપાસના નોન ટીપી વિસ્તારો (વિસ્તાર વિકાસ સત્તામંડળો અને અર્બન ઓથોરિટી હસ્તકના વિસ્તારો)માં કોઈ પણ જમીનધારકે જમીનો પર બાંધકામ માટે જે 40 ટકા જમીન કપાત તરીકે છોડવાની થાય છે, તે જમીન સહિત સો એ સો ટકા જમીન પર સરકારમાં પ્રિમિયમ ભરવાનું થતું. હવે સરકારે એવો નિર્ણય જાહેર કર્યો છે કે, જે 40 ટકા જમીન કપાત માટે રાખેલી હોય તે જમીન પર પ્રિમિયમ ભરવાનું થશે નહીં, જે 60 ટકા જમીન બાંધકામ પ્રવૃતિઓ માટે ઉપયોગમાં લેવાની થાય, તેનું જ પ્રિમિયમ સરકારમાં ભરવાનું રહેશે.

આ નિર્ણયથી જો કે સરકારની આવક ઘટશે અને બાંધકામ પ્રવૃતિઓ કરનારાઓને બાંધકામ માટેની જમીનો પ્રમાણમાં સસ્તી ઉપલબ્ધ થશે. તેઓ આ રાહતનો લાભ મકાન ખરીદનારાઓને આપશે ? કે, 40 ટકા મલાઈ ખુદ જમી જશે, તે મુદ્દો મહત્વપૂર્ણ છે. સરકારનો આ નિર્ણય જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (જાડા) સહિત રાજ્યભરના તમામ સત્તામંડળોમાં લાગુ પડશે. આ નિર્ણયને કારણે, સ્પર્ધામાં ટકી રહેવા બિલ્ડર્સ અને ડેવલપર ધારે તો મકાનો સસ્તા કરી શકે ખરા. એમ થશે ? એ સવાલ છે.
