Mysamachar.in-રાજકોટ:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો તાપ હજુ ઘણાં બધાં સત્તાધીશો અને ઝડપાયેલા આરોપી કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ અનુભવી રહ્યા છે. પરંતુ આ મામલો અદાલતમાં ધીમી ગતિએ ચાલી રહ્યો હોવાની લોકછાપ ઉભી થઈ છે. અદાલતમાં હજુ સુધી, મહિનાઓ બાદ પણ, આ મામલાની ટ્રાયલ શરૂ થઈ નથી. કારણ કે, આરોપીઓ કહે છે: કોઈ વકીલ અમારો કેસ લડવા તૈયાર નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલામાં અગાઉ વડી અદાલતે એમ પણ કહેલું કે, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર અને વર્તમાન કમિશનરને ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે કોઈ અફસોસ નથી. આ અધિકારીઓ અપરાધભાવ અનુભવતા નથી. તેઓ પોતાના તાબાના અધિકારીઓ અને કર્મચારીઓ પર અંકુશ ધરાવતાં નથી. જો કમિશનરો માફી નહીં માંગે તો અદાલત એમની વિરુદ્ધ પગલાંઓ લઈ શકે છે.

વડી અદાલતની આ ટકોર અને ચેતવણી બાદ, ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટના બંને પૂર્વ મ્યુ. કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલએ વડી અદાલતની માફી માંગી લીધી છે. તેમણે રજૂ કરેલાં સોગંદનામાઓમાં અગ્નિકાંડ મૃતકોના સ્વજનો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકાએ ગેમઝોન અગ્નિકાંડ સંબંધિત તમામ રેકોર્ડ વડી અદાલત સમક્ષ રજૂ કર્યું પરંતુ અદાલતે આ સાહિત્યનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરતાં જણાવ્યું કે, તમામ રેકોર્ડ અનુક્રમણિકા સાથે, તારીખવાર અને યોગ્ય ફોર્મેટમાં આપો.

આ મામલાની હવે પછીની સુનાવણી ડિસેમ્બરમાં થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે વડી અદાલતમાં જે સુઓમોટો જાહેર હિતની અરજી દાખલ થયેલી. તેની આ સુનાવણી હતી. આ ઉપરાંત અન્ય એક મામલો આરોપીઓનો પણ અદાલતમાં ચાલી રહ્યો છે, જેમાં આરોપીઓને વકીલ મળી રહ્યા નથી, એવી દલીલો સાથે પાંચ પાંચ વખત મુદ્દતો પડી હોય, આખરે વડી અદાલતે આરોપીઓને કહ્યું: 7 નવેમ્બર સુધીમાં તમારાં વકીલ નહીં આવે તો સરકારના લીગલ એઈડમાંથી વકીલ આપી, કાર્યવાહીઓ આગળ વધારવામાં આવશે.(trp game zone incident file image)
