Mysamachar.in: જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં ઘણાં બધાં વેપારીઓ દ્વારા ફટાકડાનું જથ્થાબંધ અને છૂટક વેચાણ થઈ રહ્યું છે. ફટાકડાના સ્ટોલથી માંડીને મેગા મોલની જાહેરાતો ધૂમ મચાવી રહી છે, ઘણાં બધાં ધંધાર્થીઓ ફટાકડા વેચાણ કરવા તૈયારીઓમાં વ્યસ્ત છે પરંતુ હજુ સુધી મોટાભાગના વેપારીઓને ફટાકડા સંગ્રહ અને વેચાણનો પરવાનો આપવામાં આવ્યો નથી.
સમગ્ર જામનગર શહેરમાં ફટાકડા પરવાના અને દેખરેખની સતાઓ ધરાવતાં શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમારએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ફટાકડા સંગ્રહ અને વેચાણ માટે પરવાનો મેળવવા અત્યાર સુધીમાં 127 લોકોએ અમારી કચેરીને અરજીઓ આપી છે, જે પૈકી 10 ધંધાર્થીઓને આ પરવાના આપી દેવામાં આવ્યા છે. આજે સાંજ સુધીમાં જરૂરી અભિપ્રાયો આવી જશે તેવી ધારણાંને આધારે, આજે અન્ય 39 ધંધાર્થીઓને પરવાના આપી દેવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે અને સૌ સંબંધિત ધંધાર્થીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત પ્રાંત ઓફિસરે કહ્યું કે, રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ફટાકડા વેચાણ સંબંધે જે ખાસ SoP બહાર પાડી છે, તેનું જામનગરમાં બરાબર પાલન થઈ રહ્યું છે કે કેમ, તે ચકાસણીઓ કરવા માટે શહેર મામલતદાર તંત્ર, કોર્પોરેશનનું ફાયર તંત્ર અને પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે, સખત રીતે નિયમોનું પાલન કરાવવા સંબંધે અધિકારીઓને કડક નિર્દેશ આપવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં દર વર્ષે ઘણી બધી બેદરકારીઓ સાથે મુખ્ય માર્ગો, મુખ્ય વિસ્તારો, બજારો અને ગીચ રહેણાંક વિસ્તારોમાં પણ આડેધડ ફટાકડા વેચાણ થતું હોવાનું સૌ જાણે છે. ખરેખર તો રાજકોટ અગ્નિકાંડ બાદ હવે સૌ સંબંધિતોએ સરકારના તમામ નિયમોનું પાલન કરવાની ગંભીર જવાબદારીઓ સમજવી આવશ્યક છે. અકસ્માત ગમે ત્યારે, ગમે ત્યાં સર્જાઈ શકતા હોય છે. તહેવારોનો આનંદ ગમ કે શોકનું કારણ ન બની જાય એ માટે તમામ તંત્રએ સતર્ક રહેવું જરૂરી અને નગરજનોએ પણ જરૂરી જાગૃતિ દાખવવી જોઈએ.
