Mysamachar.in: જામનગર
જામનગર નજીકના દરેડ બીઆરસી ભવનમાં વરસાદી પાણી ઘૂસી ગયું ત્યાં સુધી સંબંધિત સત્તાવાળાઓ બેદરકાર રહ્યા અને આ વરસાદી પાણીમાં, પ્રાથમિક શાળાઓના ભૂલકાંઓને આપવાની પુસ્તિકાઓ સહિતની હજારોની સંખ્યામાં સ્ટેશનરી પલળી ગઈ. આ બધું સાહિત્ય સરકારે મોકલેલું હતું અને ભૂલકાંઓને વિનામૂલ્યે આપવાનું હતું, જે સત્તાવાળાઓની બેદરકારીઓને કારણે ભૂલકાંઓ સુધી પહોંચ્યું નહીં. આ ઘટનાની હકીકતો જાણવા ગાંધીનગરથી તપાસનો આદેશ થયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રકરણ જાહેર થઈ જતાં બીઆરસી ભવનના મુખ્ય અધિકારીએ ખુદના બચાવ માટે ખૂબ જ હવાતિયાં લગાવ્યા હતાં. પરંતુ આ મામલે મોટો ઉહાપોહ મચી જતાં આખરે ગાંધીનગરથી સમગ્ર બનાવની તપાસનો આદેશ છૂટ્યો છે. જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ તપાસનો આદેશ થયો હોવાની વાતને સમર્થન આપ્યું છે.
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, આ માટે 4 સભ્યોની ટીમની રચના થઈ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીના વડપણ હેઠળની આ ટીમ સમગ્ર બનાવનું પોસ્ટમોર્ટમ કરશે અને સાહિત્ય પલળી જવાની આ ગંભીર ઘટનામાં બીઆરસી ભવનના મુખ્ય અધિકારીની કોઈ બેદરકારીઓ હતી કે કેમ, તે અંગેનો અભ્યાસ કરી, 7 દિવસમાં આ રિપોર્ટ ઉચ્ચ સત્તાવાળાઓને સોંપશે. આ ટીમમાં હોદ્દાની રૂએ અન્ય 3 સભ્યો તરીકે એક કેળવણી નિરીક્ષક, એક QEM કન્વીનર અને એક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

આ ટીમ એ બાબતની પણ તપાસ કરશે કે, સરકારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આ તમામ સાહિત્ય બીઆરસી ભવનને મોકલ્યું હતું છતાં આ સાહિત્યનું વિતરણ શા માટે કરવામાં આવ્યું ન હતું ? આમાં ભવનના વડાની કોઈ બેદરકારીઓ હતી કે કેમ, તેની પણ તપાસ થશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ બનાવે સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચાવી છે. કેમ કે, જવાબદારીઓથી બચવા સંબંધિત અધિકારીએ આ બનાવ બાદ ઘણાં લૂલા બચાવ કર્યા હતાં. પરંતુ હવે તપાસ ટીમની રચના થતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ થશે. તપાસ અત્યંત તટસ્થ રીતે અને ગંભીર પ્રકારે થાય એવું સૌ ઈચ્છી રહ્યા છે કેમ કે, લાંબા સમય સુધી સેંકડો ભૂલકાંઓ આ સાહિત્યથી વંચિત રહ્યા છે.
