Mysamachar.in: અમદાવાદ
કોઈની જમીન કે મકાન સહિતની કોઈ મિલકત પર ગેરકાયદેસર કબજો જમાવવો અથવા કબજો ખાલી ન કરવો વગેરે પ્રકારના સંખ્યાબંધ મામલાઓ દરેક જિલ્લામાં કલેક્ટર ઓફિસ હસ્તકની લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં ચાલતાં હોય છે અને પછી તેમાં ધરપકડના હુકમો પણ થતાં હોય છે, આ સમગ્ર પ્રક્રિયાઓ દરમિયાન કયાંય, કોઈને અન્યાય ન થઈ જાય અથવા તો આવા મામલાઓની તપાસ કાયદાની પ્રક્રિયાઓ અંતર્ગત જ થાય, એ માટે વડી અદાલત ઈચ્છે છે કે, સરકારે આ બાબતે ચોક્કસ માર્ગદર્શિકા બનાવી, જાહેર કરવી જોઈએ.
રાજ્યની વડી અદાલતે સરકારને આવી માર્ગદર્શિકા જાહેર કરવા નિર્દેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગના એક મામલામાં 65 વર્ષના એક વૃદ્ધની ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી હતી અને આ વૃદ્ધને 7 દિવસ માટે, કોઈ જ વાંકગુના વગર જેલમાં રહેવું પડ્યું હતું. જો કે, આ કેસમાં વડી અદાલતે કલેક્ટર તંત્રને કઠોર વચનો કહ્યા અને આ વૃદ્ધને સાત દિવસ જેલમાં રહેવા બદલ કલેક્ટર ઓફિસ વળતર ચૂકવે એવો આદેશ પણ કર્યો છે.
આ મામલા બાદ વડી અદાલતે હવે જણાવ્યું છે કે, લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કમિટી દ્વારા થતી તપાસના મામલે સરકાર તરફથી ચોક્કસ ગાઈડલાઈન બને. આ નિર્દેશ બાદ એડિશનલ એડવોકેટ જનરલે પ્રસ્તાવિત ગાઈડલાઈન રજૂ કરવા સરકાર તરફથી સમય માંગ્યો છે. આથી કેસની વધુ સુનાવણી બીજી ડિસેમ્બર મુકર્રર કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ વૃદ્ધને દીવાળી પહેલાં કલેક્ટર ઓફિસ વળતર ચૂકવી આપશે, એવી ખાતરી સરકારે અદાલતમાં આપી છે. આ કેસમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની કાર્યવાહી કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોથી વિપરીત હતી, એવું અદાલતે અગાઉ ચૂકાદામાં જણાવ્યું હતું. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાઓમાં છે.