Mysamchar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં એક તરફ લાખો લોકો દીવાળીના તહેવારોના આગમનને વધાવવા હરખાઈ રહ્યા છે અને બીજી તરફ શહેર અને જિલ્લામાં રોગચાળો, ખાસ કરીને ડેન્ગ્યુનો રોગચાળો માથું ઉંચકી રહ્યો હોય, અનેક પરિવારોની દીવાળી હોસ્પિટલમાં પસાર થવાની સ્થિતિઓ ઉભી થવા પામી છે.
તબીબી નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ચોમાસા બાદ એટલે કે, સપ્ટેમ્બર-ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન વાયરસ અને બેકટેરિયાને પરિણામે ઘણાં બધાં પ્રકારના રોગ જોવા મળતાં હોય છે. આ ઉપરાંત આ સિઝનમાં મચ્છરોમાં પણ ગ્રોથ જોવા મળતો હોય છે એટલે ડેન્ગ્યુ સહિતના તાવનો રોગચાળો પણ માથું ઉંચકતો હોય છે.

ચોમાસા બાદ ઠેકઠેકાણે વરસાદી પાણી ભરેલાં રહે છે, જેને કારણે મચ્છરોની વૃદ્ધિ થતી હોય છે. આ દિવસોમાં સૂર્યના તડકાનું પ્રમાણ પણ સમયાંતરે ઓછું વધતું થતું રહેતું હોય છે. આ ત્રણ મહિનાઓ દરમિયાન ભાદરવાનો તડકો, અનિયમિત વરસાદી વાતાવરણ અને સવાર સાંજની ઠંડકને કારણે, વાતાવરણ એકદમ મિશ્ર બની જતું હોય છે જેને કારણે વાયરલ તથા બેકટેરિયલ બિમારીઓ વધતી જોવા મળતી હોય છે.
જામનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારી ડી.આર.પંચાલ જણાવે છે, શહેરમાં ગત્ મહિનામાં એટલે કે, સપ્ટેમ્બર માસમાં ડેન્ગ્યુ તાવના 66 કેસ નોંધાયા બાદ, આ મહિને ઓક્ટોબરમાં 23 તારીખ સુધીમાં ડેન્ગ્યુના 145 કેસ નોંધાઈ ચૂક્યા છે. કોર્પોરેશન દ્વારા સર્વે અને રોગ અટકાવવા માટેની નિયત કામગીરીઓ પણ થઈ રહી છે.

આ ઉપરાંત જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી જણાવે છે, આ મહિને ઓક્ટોબરમાં 23 તારીખ સુધીમાં ડેન્ગ્યુના 404 કેસ નોંધાઈ ચૂક્યા છે. બાળકોમાં પણ ડેન્ગ્યુના કેસ આવી રહ્યા છે. આમ, એવરેજ જોઈએ તો દૈનિક 15-20 ડેન્ગ્યુ દર્દીઓ જીજી હોસ્પિટલમાં નિદાન સારવાર મેળવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરની સેંકડો ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકમાં પણ દૈનિક ધોરણે હજારો લોકો વિવિધ પ્રકારના તાવ, ઝાડા ઉલટી સહિતના રોગોની સારવાર મેળવી રહ્યા છે. આ પ્રકારના આંકડાઓનું એકત્રીકરણ કરવાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે તો, શહેર અને જિલ્લાની રોગચાળાની ખરી સ્થિતિઓ જાણી શકાય. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જીજી હોસ્પિટલમાં સામાન્ય રીતે દર 24 કલાકમાં એવરેજ 500-700 દર્દીઓની ઓપીડીને બદલે હાલ એવરેજ 800-1,000 દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે અને દૈનિક આશરે 125-130 જેટલાં દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી રહ્યા છે. બાળકો માટે વધારાના 50 બેડની વ્યવસ્થાઓ પણ હાલ કરવામાં આવી છે.
