Mysamachar.in-જામનગર:
જામનગરમાં તમામ ક્ષેત્રે સેવાકિય પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે બાબુભાઈ લાલની જન્મતિથિ નિમીતે ઓશવાળ સેન્ટરના બેન્કવેટ હોલમાં માનવસેવાનો યજ્ઞ, શિક્ષણ તથા ધાર્મિક ક્ષેત્રે સન્માન કાર્યક્રમના સમન્વય સાથે ત્રિવેણી સંગમ રૂપ ભવ્ય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં બાબુભાઈ લાલની જન્મતિથિ નિમિત્તે માનવસેવાના યજ્ઞ સમાન રકતદાન કેમ્પ તેમજ જામનગર શહેરના ધો.૧૦ અને ધો.૧૨ (સામાન્ય – વિજ્ઞાન પ્રવાહ) ના તેજસ્વી વિધાર્થીઓ અને ગણેશ મહોત્સવનું આયોજન કરતાં શહેરના ગણેશ પંડાલોના આયોજકોનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારોહના આરંભે આર્શિવચન પાઠવવા પધારેલા ૫ નવતનપુરી ધામ (ખીજડા મંદિર) ને આચાર્ય પૂકૃષ્ણમણીજી મહારાજ, સ્વામી નારાયણ મંદિરને પૂચર્તુભુજ સ્વામી તથા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટીઓ જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, વિરાજભાઈ લાલ અને ઉપસ્થિત મહેમાનોની ઉપસ્થિતિમાં આરતી કરવામાં આવી હતી અને સમગ્ર હોલનું વાતાવરણ ધર્મમય બની ગયું હતું.

આ સમારોહમાં હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત સૌ વિધાર્થીઓ, વાલીઓ, સંતો, આમંત્રીત મહેમાનો તથા ગણેશ પંડાલોના આયોજકોને આવકાર આપી જણાવ્યું હતું કે આજે આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા છો તે લાલ પરિવાર પ્રત્યેની આપ સૌની લાગણી અને પ્રેમ દર્શાવે છે જે અમારા માટે મહત્વનું પ્રેરણાબળ બને છે. લાલ પરિવારના આમંત્રણને માન આપીને આજે અમારા પિતા બાબુભાઈ લાલને ભાવાંજલી આપવા આપ સૌ પધાર્યા છો તે માટે આભારની લાગણી વ્યકત કરુ છું.
શ્રી ૫ નવતનપુરી ધામના આચાર્ય પૂ.કૃષ્ણમણીજી મહારાજે તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે ધાર્મિક, શિક્ષણ અને સામાજીક સેવાનો આજે સમન્વય થયો છે. જામનગરના તેજસ્વી તારલાઓનું સન્માન કરી જુદા-જુદા ક્ષેત્રોમાં તેઓ આગળ વધીને જામનગરનું નામ રોશન કરે તેવું પ્રોત્સાહક કામ લાલ પરિવારે કર્યું છે, જે બિરદાવવા લાયક છે જેના માટે કોઈ શબ્દ નથી. લાલ પરિવારને તન-મન-ધનથી સેવા અને લોકોપયોગી કાર્યો કરવાની શકિત આપી છે તેથી તેઓ ભગવાનને સહયોગ આપી રહ્યા છે, કારણ કે તેઓ ભગવાનનું જ કામ કરી રહયા છે. તેમણે લાલ પરિવારના સેવાકાર્યોને બિરદાવી અભિનંદન અને આર્શિવાદ પાઠવ્યા હતાં.
આ ત્રિવેણી સંગમ સમાન સમારોહમાં ઉપસ્થિત સ્વામી નારાયણ મંદિરના પૂ.ચર્તુભજસ્વામીએ આર્શિવચન પાઠવતાં જણાવ્યું હતું કે જામનગરના વિધાર્થીઓને પ્રતિતિ થઈ છે કે લાલ પરિવારનું અમને પીઠબળ છે જે છાત્રોના મનોબળને મજબુત કરે છે. તેમણે શિક્ષણ સાથે સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું. સંસ્કાર સાથેનું શિક્ષણ માત્ર પરિવારને જ નહીં પણ સમાજનમાં પોતાનું ગૌરવવંતુ સ્થાન પ્રસ્થાપિત કરશે. જામનગરના તેજસ્વી વિધાર્થીઓ ખુબ આગળ વધે અને તેમના સંકલ્પ/લક્ષ્યાંક પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે આર્શિવાદ પાઠવ્યાં હતાં.
જામનગરમાં ગણેશ મહોત્સવના આયોજકો છોટી કાશીના બિરૂદને સાર્થક કરી ધાર્મિક પરંપરાને જાળવવાનું કાર્ય કરી રહયા છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જીતુભાઈ લાલ તો હવે સમગ્ર ગુજરાતમાં લોહાણા સમાજમાં ઉચ્ચતમ સ્થાન પામ્યા છે માટે તેમના સેવા કાર્યો અન્ય સમાજ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. બાબુભાઈ લાલની સેવાકિય પ્રવૃતિઓની પરંપરા લાલ પરિવારે માત્ર જાળવી નથી રાખી પણ એક વટવૃક્ષ બનાવી છે. લાલ પરિવાર સ્વસ્થ, સુખી, સમૃધ્ધ બની રહે તેવી પ્રાર્થના કરૂં છું.

એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી તથા લાલ પરિવારના ભોમી અશોકભાઈ લાલે ખુબ જ ભાવપૂર્વક જણાવ્યું હતું કે સારા કાર્યોમાં અમે સહભાગી થઈ શકીએ તેવી શક્તિ ઈશ્વર આપે તેવી પ્રાર્થના કરુ છું અને દરેક સત્કાર્યોમાં સફળતા મળવા પાછળ આપ સૌનો સાથ સહકાર કારણભૂત છે.
છોટી કાશી ગણાતા આપણા જામનગરના તમામ લોકો ખુશીથી જીવન જીવે તેવી મારી હંમેશા પ્રાર્થના હોય છે. આ વખતના ગણેશ મહોત્સવના આયોજનમાં ઈકો-ફ્રેન્ડલી (પોલ્યુશન ફી) ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાના અભિગમને તેમણે બિરદાવી સૌને અભિનંદન પાઠવ્યા હતાં. વધુમાં અશોકભાઈએ ધો.૧૦ અને ધો.૧૨ ના તેજસ્વી વિધાર્થી ભાઈઓ-બહેનોને ખાસ સંબોધી જણાવ્યું હતું કે મારી અપેક્ષા છે તમે આઈ.પી.એસ./આઈ.એ.એસ. જેવા સનદી અધિકારી બનો. જામનગર જીલ્લામાંથી શા માટે કોઈ આઈ.એ.એસ.કે આઈ.પી.એસ.જેવી કેડરના અધિકારી બનતા નથી ?

તેમણે આઈ.એ.એસ.-આઈ.પી.એસ માટેની તાલીમ માટે લાલ પરિવાર તમામ સહયોગ આપશે તેવી ખાત્રી આપી હતી. તેમણે વેપારી-ધંધાર્થીઓને જણાવ્યું કે તમારા સંતાનોનું ભણતર ના બગાડો તેમને ધંધે ના વળગાડો અત્યારે તો મહિલાઓ પણ પાયલોટ બને છે જો કોઈને પાયલોટ બનવાની ઈચ્છા હોય તો લાલ પરિવારની મહેસાણામાં ફલાઈગ કલબમાં સુવિધા મળી શકે છે.
તેમણે છાત્રોને ખુલ્લી ઓફર કરી હતી કે તમે ૨૦ માંથી ૧૮ નો માર્ક પસાર કરો વીસ સુધી હું પહોંચાડી દઈશ. અમે વાતો કરવામાં નહીં કરી બતાવવામાં માનીએ છીએ. કોઈપણ સંતાનને ક્યારેય કોઈપણ જરૂર પડે તો અમે અમારી ફરજ સમજીને પડખે રહીશું. તેમણે ઉપસ્થિત તેજસ્વી વિધાર્થી દિકરા-દિકરીઓ સાથે વાર્તાલાપ કરી શુભેચ્છા અને અભિનંદન પાઠવી કોઈપણ જરૂર હોય તો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.
આ સમારોહમાં ઉપસ્થિત રહેલા જયેશ રૂપારેલીયાએ તેમના પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ગણેશ પંડાલોના આયોજકોનું બહુમાન સનાતન ધર્મ અને હિન્દુ ધર્મના સંસ્કારો માટે મહત્વપૂર્ણ છે. લાલ પરિવાર નાનામાં નાના વ્યકિતને પ્રોત્સાહીત કરવાનું કાર્ય કરે છે. લાલ પરિવારે જામનગર જીલ્લો અને હાલરને કંઈક આપ્યું જ છે તેઓ લોહાણા સમાજ માટે પણ ગૌરવ છે.

માય સમાચારના માલીક-એડીટર રવિ બુધ્ધદેવે જણાવ્યું હતું કે લાલ પરિવાર હંમેશા કોઈપણ આપત્તિ સમયે હાલારની જનતાની પડખે રહહ્યા છે અને વર્ષોથી સેવાની સુવાસ ફેલાવી રહયો છે.
જગત રાવલે જણાવ્યું હતું કે લાલ પરિવાર શું ના કરી શકે ? આજે તમામ પત્રકાર મિત્રોને સ્ટેજ ઉપર સ્થાન આપી યથોચિત માન આપ્યું છે તેઓમાં ક્યારેય જરા પણ અભિમાન જોવા મળ્યું નથી. જીતુભાઈ લાલ તો વર્ષોથી સેવક છે
ફૂલછાબ જામનગર સ્થિત પ્રતિનિધી મુકેશભાઈ જોઈશરે બાબુભાઈ લાલના સંસ્મરણો તાજા કર્યા હતાં. ૩૫ વર્ષથી બાબુભાઈ લાલના સમયથી ચાલી આવતી સેવાકિય પરંપરાને લાલ પરિવારે આગળ ધપાવી છે. શિક્ષણ અને ધર્મ ક્ષેત્રે તેમની પ્રોત્સાહન આપવાની સેવાને તેમણે બિરદાવી અભિનંદન આપ્યા હતાં.

મહાનુભાવોના ઉદ્દબોધન પછી સૌ પ્રથમ ધો.૧૦ અને ધો.૧૨ ના સેંકડો તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારપછી જામનગરના ગણેશ મહોત્સવના ગણેશ પંડાલોના સેંકડ આયોજકો અને તેમની ટીમનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નોબતના ચેતનભાઈ માધવાણી, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, માય સમાચારના રવિ બુધ્ધદેવ, પત્રકારો જયેશ રૂપારેલીયા, વિપુલ હિંડોચા, પરેશ સારડા, મુકેશ જોઈશર અર્જુન પંડયા, ઉપેન્દ્ર ગોહિલ, કિંજલ કારસરીયા, હરદિપસિંહ ભોગલ, પી.ડી.ત્રીવેદી, મહાવીરસિંહ ચૌહાણ, તેમજ સામાજીક-સ્વૈચ્છીક સંસ્થાઓના અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતાં.
આ ત્રિવેણી સંગમરૂપ સમારોહમાં તેજસ્વી વિધાર્થી ભાઈ-બહેનો તેમના વાલીગણ તેમજ ગણપતિ પંડાલના સંચાલકોની ટીમ વિગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેતાં સમારોહ સ્થળની જગ્યા ટુંકી પડી હતી, છતાં ઉપસ્થિત સૌએ ઉભા-ઉભા પણ સમારોહને સફળ બનાવવામાં સ્વયંશિસ્તના દર્શન કરાવ્યાં હતાં. કાર્યક્રમના અંતે આભાર દર્શન ટ્રસ્ટી મિતેષભાઈ લાલે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ગિરીશભાઈ ગણાત્રા, બિમલભાઈ ઓઝા, અજયભાઈ કોટેચાએ કર્યું હતું. આયોજનને સફળ બનાવવા માટે એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
-સનદી અધિકારી બનવાનો સંકલ્પ કરો….હું તમામ મદદ કરવા તૈયાર છું……અશોકભાઈ લાલ
આ સમારોહમાં લાલ પરિવારની બન્ને સંસ્થાઓના ટ્રસ્ટી અશોકભાઈ લાલે ઉપસ્થિત સૌ તેજસ્વી વિધાર્થી ભાઈઓ બહેનોને આહવાન કર્યું હતું કે તમે આઈ.એ.એસ. કે આઈ.પી.એસ.જેવી સનદી પરીક્ષામાં આગળ વધવાનો સંકલ્પ કરો, હું તમામ મદદ કરવા તૈયાર છું. જામનગરમાં સનદી અધિકારીની ભરતી પરીક્ષાની તૈયારી માટે કોચીંગ કલાસ માટે પણ સંપૂર્ણ સહયોગ આપીશ. જામનગરમાંથી શા માટે કોઈ તેજસ્વી દિકરો-દિકરી સનદી અધિકારી ના બને ? તેમણે દરેક વિધાર્થીઓને ઉત્તમ કારકિર્દીનું નિર્માણ કરવા શુભેચ્છા પાઠવી હતી
