Mysamachar.in-જામનગર:
જામનગર એક વિશિષ્ટ શહેર છે, પરપ્રાંતના રહેવાસીઓને ગણતરીમાં લઈએ તો, શહેરની વસતિ 10 લાખ આસપાસ થઈ ગઈ છે અને રાજ્ય તથા દેશના જીડીપીમાં જામનગરનું યોગદાન અનેરૂં છે એમ જણાવી 16મા નાણાંપંચ સમક્ષ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વધારાની ગ્રાન્ટની માંગ કરતો પત્ર લખ્યો છે.
હાલમાં કેન્દ્ર સરકારના 16મા નાણાંપંચના અધ્યક્ષ સહિતના સભ્યો ગાંધીનગર આવ્યા છે, તેઓ સમગ્ર ગુજરાતના શહેરો અને જિલ્લા પંચાયતોની ભાવિ નાણાંકીય જરૂરિયાતો અંગેના આંકડાઓ એકત્ર કરી રહ્યા છે. પદાધિકારીઓ અને અધિકારીઓને સાંભળી રહ્યા છે. ગત્ 15મા નાણાંપંચના હિસાબોની સમીક્ષા કરી રહ્યા છે.

દરમિયાન, જામનગરના સ્ટેન્ડિંગ ચેરમેન નિલેષ કગથરા નાણાંપંચની મુલાકાતે ગયા હતાં, પંચના ચેરમેનને વિસ્તૃત પત્ર પાઠવ્યો છે. અને, જામનગર શહેરને સ્માર્ટ સિટી બનાવવા વધારાની રૂ. 2,000 કરોડની ગ્રાન્ટની આવશ્યકતા છે, એમ પત્રમાં જણાવ્યું છે. જેમાં રિવરફ્રન્ટ માટેના રૂ. 1,000 કરોડનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ શહેરને હરિયાળું બનાવવા, જળ સંશાધન પરિયોજના તથા ભૂગર્ભ ગટર યોજનાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં જણાવ્યા અનુસાર, 9 વર્ષથી જામનગર શહેર સ્માર્ટ સિટી જાહેર થવા કેન્દ્ર સરકારની સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેન કહે છે, આ માટે મહાનગરપાલિકા આવશ્યક વિકાસકાર્યો કરી રહી છે.
