Mysamachar.in-અમદાવાદ:
દેશભરમાં કરોડો લોકો હેલ્થ વીમા સહિતના વિવિધ પ્રકારના વીમાકવચ ધરાવે છે, પરંતુ ગંભીર અને સંવેદનશીલ તથા ચિંતાપ્રેરક મુદ્દો એ છે કે, આ કરોડો ગ્રાહકોના મહત્વપૂર્ણ ડેટા સુરક્ષિત નથી. ડેટા લીકેજિસ થઈ રહ્યું છે. આ ગંભીર મામલો રેકર્ડ પર પણ આવી ગયો. હવે દેશની વીમા નિયંત્રક સંસ્થા જાગી અને બધી જ વીમા કંપનીઓને કહ્યું: કમજોરીઓ દૂર કરો. સુરક્ષા આપો.
IRDAએ કરોડો વીમા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખી, વીમા કંપનીઓને સૂચનાઓ આપી છે કે, દરેક વીમા કંપનીએ પોતાની IT વ્યવસ્થાઓમાં રહેલી કમજોરીઓ દૂર કરવી જોઈએ અને કરોડો વીમા ગ્રાહકોના સંવેદનશીલ ડેટાને ચુસ્ત સુરક્ષા પ્રદાન કરવી જોઈએ. આ ગંભીર બાબત છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ 2 વીમા કંપનીઓના ગ્રાહકોના મહત્વપૂર્ણ ડેટા લીકેજિસની વિગતો બહાર આવી છે. પછી IRDA નું આ નિવેદન જાહેર થયું. કંપનીઓને એમ પણ કહેવાયું કે, ડેટા સુરક્ષા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન ચલાવી લેવામાં આવશે નહીં. તાજેતરમાં સ્ટાર હેલ્થ વીમા કંપનીના 3 કરોડ કરતાં વધુ ગ્રાહકોનો સંવેદનશીલ ડેટા કોઈએ ટેલિગ્રામ પર ‘વેચાણ’ માટે ઓનલાઈન મૂક્યો હતો, જેથી મોટી હલચલ મચી ગઈ છે.
આ કરોડો ગ્રાહકો કેટલો ટેક્સ ભરે છે અને તેમનો મેડિકલ ઈતિહાસ શું છે ? વગેરે સંવેદનશીલ બાબતો ઓપન ટુ ઓલ થઈ ગઈ. કંપનીઓએ હવે પોતાની IT વ્યવસ્થાઓનું ખાનગી ઓડિટર પાસે ઓડિટ કરાવવું પડશે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરના આવા બે બનાવ પછી વીમા કંપનીઓ સતર્ક બની છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ છે, જેમણે આ સંવેદનશીલ ડેટા વેચાણ માટે પોતાના પ્લેટફોર્મ પર અપલોડ થવા દીધો હતો.