Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકાર સમયાંતરે ખેડૂતોને વિવિધ જણસોના પોષણક્ષમ ભાવો મળી રહી તે માટે અલગ અલગ પાકોની ટેકાને ભાવે ખરીદી કરતી હોય છે આવી જ વધુ એક ખરીદીની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.જેમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વના ખરીફપાકોની કઈ રીતે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તે અંગેની જાહેરાત કરી છે તેના પર નજર કરીએ તો ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2024/25માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર રાગી, મકાઈની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકોએ ગ્રામ્ય કક્ષાએ VCE (વી.સી.ઈ.) મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તા.31/10/2024 સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી તા6/11/2024 લાભપાંચમથી તા.15/01/2025 દરમિયાન કરવામાં આવશે. બાજરી જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂ.300 નું બોનસ આપવામાં આવશે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેના જરૂરી આધાર-પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો 7/12, 8/અની નકલ, ગામ નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય, તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામની બેન્ક ખાતાની વિગત, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ અરજી પત્રકની સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત છે.
ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ છોડતા પહેલા ખાસ કાળજી રાખવાની રહેશે. ડોક્યુમેન્ટ્સની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં નહીં આવે.(file image source:google)