Mysamachar.in-ગાંધીનગર:
એક તરફ દીવાળી તહેવારોના આગમનના પડઘમ વાગી રહ્યા છે, બીજી તરફ ખેડૂતોને મળનારી અતિવૃષ્ટિની સહાયમાં વિલંબ થઈ રહ્યો હોય, લાખો ખેડૂતો ઉચાટ ભરેલાં દિવસો પસાર કરી રહ્યા છે અને સતત તપાસ કરી રહ્યા છે કે, સહાય દીવાળી પહેલાં મળી જશે કે કેમ ? પરંતુ વરસાદી માહોલ દર્શાવે છે કે, ખેડૂતોને દીવાળી અગાઉ સહાય મળવાને બદલે, નવા વરસમાં લાભપાંચમ ટાણે લાભ મળે એમ પણ બની શકે.
ખેડૂતોએ ગત્ ઓગસ્ટની અતિવૃષ્ટિમાં ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. સરકારે સહાય આપવા માટે પેકેજ તૈયાર તો કરી લીધું પણ આ પેકેજની જાહેરાત હજુ તો થાય, એ અગાઉ જ નવરાત્રિમાં પણ વરસાદ આવ્યો અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. આથી ખેડૂતોએ વધુ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આથી જો સરકાર નુકસાનનું પુન: મૂલ્યાંકન ન કરે તો ખેડૂતોમાં રોષ જાગે અને તહેવાર બગડે.
આથી અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, સરકારે સહાય પેકેજ તૈયાર કરી લીધાં બાદ જે વરસાદ આવ્યો અને હજુ પણ વરસાદ આવી રહ્યો હોય, સરકારની ગણતરીઓ એવી છે કે, જો સહાય માટે ફરીથી મૂલ્યાંકન કરી લેવામાં આવે તો, ખેડૂતોને વધુ સારી રીતે ખુશ કરી શકાય. આ સ્થિતિમાં સહાય પેકેજ જાહેર થવામાં હજુ વધુ વિલંબ થઈ શકે.
સૂત્ર એમ પણ કહે છે કે, દીવાળી તહેવાર અગાઉ રાજ્યની કેબિનેટની બેઠક જે બુધવારે યોજાનાર છે તે આખરી છે, પછી તો તહેવાર શરૂ થઈ જશે. આથી જો આ બેઠકમાં સહાય જાહેર ન કરી શકાય તો, કાં તો દીવાળી ટાણે સહાય પેકેજની સ્પેશિયલ જાહેરાત કરવી પડે અથવા વધુ વરસાદને કારણે વ્યાપક નુકસાનનું પુન: મૂલ્યાંકન થયા બાદ લાભપાંચમ પર પણ સહાય પેકેજ જાહેર થાય, એમ પણ બની શકે. ટૂંકમાં, હાલની સ્થિતિઓ એવી છે કે, સરકારને કારણે નહીં પણ કુદરતી કારણસર વરસાદને લીધે ખેડૂતો માટેની સહાયની જાહેરાતમાં હજુ વધુ વિલંબ થઈ શકે છે. અત્યાર સુધીમાં સરકાર આ અંગે એટલે જ સ્પષ્ટતાઓ સાથે કોઈ પણ વાત કરી શકતી નથી. અને, બીજી તરફ લાખો ખેડૂતો સહાય પેકેજ મુદ્દે રઘવાટ અનુભવી રહ્યા છે. ખેડૂતોને લાભપાંચમ ફળે એવું હાલ દેખાઈ રહ્યું છે. એ અગાઉ સહાય પેકેજ જાહેર થઈ જશે તો ખેડૂતોમાં તહેવાર ટાણે આનંદ છવાઈ જશે. હાલ બધું જો અને તો પર આધારિત છે.(ફાઈલ તસ્વીર સર્વે કામગીરી વખતની)