Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ સહિતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો. છેલ્લા કેટલાંક સમયથી ચોમાસુ પૂર્ણ થઈ ગયું હોવા છતાં એક પણ સપ્તાહ વરસાદ ન પડ્યો હોય એવું બન્યું નથી. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત માટે વરસાદની આગાહીઓ પણ થઈ રહી છે અને વરસાદ વરસી પણ રહ્યો છે, છેલ્લા ત્રણ સપ્તાહથી જામનગર જિલ્લામાં સરેરાશ અઢી-અઢી ઈંચ વરસાદના રાઉન્ડ નોંધાઈ રહ્યા છે.

આજે સવારે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન કાલાવડ તાલુકામથકે અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો અને જિલ્લાના અન્ય કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકાના જામવંથલીમાં 2 ઈંચ કરતાં વધુ વરસાદ થયો. જોડીયા અને ધ્રોલ પંથકમાં અડધાંથી એક ઈંચ સુધીનો વરસાદ, કાલાવડના મોટા વડાળામાં સવા બે ઈંચ સુધીનો વરસાદ અને તાલુકાના નિકાવા, મોટા પાંચ દેવડા અને ખરેડી સહિતના પંથકમાં પોણાં બે ઈંચ સુધીનો વરસાદ થયો છે.

જામજોધપુર તાલુકામાં ધુનડામાં પોણાં બે ઈંચ જેટલો વરસાદ અને શેઠ વડાળા તથા પરડવામાં પણ ઝાપટાં પડ્યા. આ ઉપરાંત લાલપુર તાલુકામાં પડાણામાં 2 ઈંચ જેટલો વરસાદ અને પીપરટોડા, મોડપર તથા હરિપરમાં ઝાપટાં નોંધાયા છે. સમગ્ર જિલ્લામાં હજુ પણ વાતાવરણમાં ઉકળાટ અને બફારો અનુભવાઈ રહ્યો છે.(file image)
