Mysamachar.in-અમદાવાદ
સમય ધીરે ધીરે પડખું ફેરવી રહ્યો છે. અત્યાર સુધી ઉચ્ચ અધિકારીઓ પોતાની કચેરીને પોતાની ‘જાગીર’ સમજતા રહ્યા અને નાગરિકો જાણે કેમ સેકન્ડ ક્લાસ સિટીઝન હોય, એવી રીતે નાગરિકો સાથે વર્તાવ થતો રહ્યો. પરંતુ હવે લોકજાગૃતિ વધી છે. નાગરિકો જાહેરમાં, મીડિયાકર્મીઓ સમક્ષ દાવો કરે છે કે, આ સરકારી કચેરીઓ લોકો માટે છે અને અધિકારીઓ માત્ર ‘સેવક’ છે, જેમને લોકોના પૈસામાંથી પગાર અને સુવિધાઓ આપવામાં આવે છે. આમ, બે અલગઅલગ પ્રકારની માનસિકતા વચ્ચેની ટક્કર તીવ્ર બની રહી છે.
હાલના સમયમાં જોવા મળે છે કે, જામનગર સહીત રાજ્યભરમાં ઉચ્ચ અધિકારીઓથી નીચે સુધીના તમામમાં ફફડાટ અને ગભરાટ છે. અધિકારીઓ મોબાઈલ મારફતે રેગ્યુલર કોલ કરવાનું ટાળે છે અને મોટેભાગે વોટ્સએપ કોલ પર જ વાતચીત કરે છે, એમને રેકોર્ડિંગનો ડર હોય છે. પણ સવાલ એ છે, ડર શા માટે હોવો જોઈએ ? અધિકારીઓ દ્વારા સરકારી કામો અંગે થતી વાતચીતમાં છૂપાવવાનું શું હોય છે ? તેઓની વાતચીત સરકારી નિયમોની બહારની હોય છે ? શા માટે એમણે વોટ્સએપ કોલ પસંદ કરવો પડે છે ? લોકો આવો સવાલ કરી રહ્યા છે.
આ ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધિકારીઓ પોતાની કચેરીને સરકારીને બદલે, અંગત કચેરી ગણતાં હોય એમ, કચેરીના મુલાકાતીઓને કહે છે, મોબાઈલ ફોન બહાર રાખો. કેમ ? સરકારી કચેરીઓમાં કશું ગેરકાનૂની હોય છે ? ઉચ્ચ અધિકારીઓને ફફડાટ શેનો છે ?! ઉચ્ચ અધિકારીઓ નાગરિકોથી શા માટે ડરી રહ્યા છે ? અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર કોઈના પણ દ્વારા કયારેય, એવી જાહેરાત કરવામાં આવી નથી કે, કોઈ પણ નાગરિકે મોબાઈલ સાથે સરકારી કચેરીમાં પ્રવેશ કરવો નહીં.