Mysamachar.in-અમદાવાદ:
કોઈ પણ ગુનામાં આરોપી કે આરોપીઓ જ્યારે વગદાર હોય છે ત્યારે ગુજરાત પોલીસની ભૂમિકાઓ સંખ્યાબંધ કેસોમાં વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ રહેતી હોય છે. આવો વધુ એક મામલો હાલ ચર્ચાસ્પદ છે. શાસકપક્ષના એક નેતાને બચાવવા પોલીસ સાડા ત્રણ વર્ષથી ફરિયાદી મહિલાને ટટળાવતી રહી, આખરે વડી અદાલતે આ મામલામાં સરકારને ફરિયાદ દાખલ કરવા ફરજ પાડી અને પોલીસને ખખડાવી.
આ મામલો પ્રાંતિજ પંથકનો છે. આ મામલામાં ભાજપાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ 2021માં એક મહિલાએ પોલીસને કથિત દુષ્કર્મ અંગે અરજી આપી હતી. અત્યાર સુધી પોલીસે આ અરજી દબાવી રાખી. ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી નહીં. રાજ્યના પોલીસ વડા સમક્ષ પણ આ મામલો ગયો હતો, તેમણે પણ આ મહિલાની રજૂઆત પર વિશ્વાસ ન કર્યો. આખરે આ વાત છેક વડી અદાલતમાં પહોંચી.
વડી અદાલતે નોંધ લીધી કે, ફરિયાદી મહિલાની FIR દાખલ કરવાને બદલે, પોલીસે ધારાસભ્યને રક્ષણ આપવા, આ મહિલાના કેરેક્ટરની તપાસ શરૂ કરી દીધી. અદાલતે પોલીસને ખખડાવી. આખરે સરકારે અદાલતને કહેવું પડ્યું કે, આ ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અદાલત થોડો સમય આપે. અદાલતે કહ્યું: સૌ પ્રથમ FIR નોંધો અને આગળની સુનાવણી સોમવારે કરવામાં આવશે. હવે નાક બચાવવા પોલીસ આ ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સાડા ત્રણ વર્ષ સુધી ખાખી આ મહિલાને પોતાનો અસલી ‘રંગ’ દેખાડતી રહી. મહિલા થાક્યા વગર લડતી રહી અને આખરે વડી અદાલતમાં પહોંચી. ફરિયાદીને થકવી નાંખવાની અને હતાશ કરવાની પોલીસની આ મોડસ ઓપરેન્ડી ગુજરાતમાં દાયકાઓથી કુખ્યાત છે.