Mysamachar.in-જામનગર:
જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં વર્ષ 2022માં પશુઓમાં લમ્પી નામનો રોગચાળો ફાટી નીકળેલ હતો. લાખો પશુઓ આ રોગની ઝપટમાં આવેલાં અને હજારો પશુઓ મોતના મુખમાં ધકેલાયા હતાં. આ રોગચાળાનું વૈજ્ઞાનિક સંશોધન પૂર્ણ થઈ ગયું છે. જેના રિપોર્ટ બહાર આવી ગયા છે. આ રિપોર્ટ અનુસાર, જામનગરના પશુઓમાંથી જે સેમ્પલ લેવામાં આવેલાં, તે સેમ્પલમાં આ રોગચાળાના 2 અલગ-અલગ વેરિઅન્ટ મળી આવ્યા છે.
વર્ષ 2022માં આ રોગચાળો આખા દેશમાં પશુઓમાં જોવા મળેલ હતો. એ અગાઉ 2019માં પણ આ રોગચાળો આવેલો. ત્યારે, આખા દેશમાં 1.55 લાખ પશુઓના મોત થયા હતાં. 2022માં ગુજરાતમાં આ રોગચાળો 1.76 લાખ પશુઓમાં પ્રસરી ગયો હતો, જે પૈકી 6,193 પશુઓના મોત નીપજયા હતાં. જામનગર શહેર અને જિલ્લામાં પણ સેંકડો પશુઓ આ રોગને કારણે મોતને ભેટયા હતાં.
ત્યારબાદ, જામનગરમાં પણ આ રોગની જાણકારીઓ મેળવવા તંત્ર દ્વારા સેમ્પલ એકત્ર કરવામાં આવેલાં. જેનો અભ્યાસ કરતાં જાણવા મળેલ છે કે, જામનગરમાં આ રોગના 2 અલગ-અલગ વેરિઅન્ટ મળી આવ્યા છે. દેશભરમાં વર્ષ 2022માં આ રોગ દેખાયો તેના અમુક તાર 2019ના રોગચાળા સાથે અને અમુક તાર 2015ના રોગચાળા સાથે જોડાયેલાં હોવાનું આ અભ્યાસમાં બહાર આવ્યું છે.
આ રોગચાળાથી બચાવવા પશુઓને જે રસી આપવામાં આવે છે, તેની સામે પણ સવાલો ઉભા થયા છે, કેમ કે ઘણાં એવા પશુઓ પણ આ રોગની ઝપટમાં આવેલાં, જેમને અગાઉ આ રસી આપવામાં આવી હોય. આ રોગ ઉંટમાં પણ જોવા મળે છે અને ગાયમાં પણ જોવા મળે છે, જેનો અર્થ એવો પણ થઈ શકે કે, આ રોગચાળો પશુઓ અને પ્રાણીઓની એક પ્રજાતિમાંથી બીજી પ્રજાતિમાં પણ ટ્રાન્સફર થઈ શકે છે.
આ પ્રકારનો રોગચાળો વિવિધ દેશોમાં ફેલાય નહીં તે માટે પશુઓની આયાત અને નિકાસ પર પણ વોચ રાખવી પડે. જે પશુઓ વિદેશમાંથી ભારત કે ગુજરાતમાં આવતાં હોય એમને અમુક સમય અન્ય પશુઓથી અલગ રાખી તેના સેમ્પલ તપાસવા પડે. સમગ્ર રાજ્ય અને દેશમાં પશુઓ અને પ્રાણીઓનાં સંભવિત રોગોનું સતત મોનિટરીંગ કરવું પડે- એમ પણ આ અભ્યાસ કહે છે.