Mysamachar.in-ગાંધીનગર:
સરકારના વિવિધ વિભાગો અને મહાનગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરેમાં ભ્રષ્ટાચારને કારણે નાગરિકો તો પરેશાન છે જ, ખુદ સરકાર પણ આ ‘ભ્રષ્ટાચાર’ મામલે ચિંતિત છે. ગુજરાત સરકાર ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ પગલાંઓ લઈ, સરકારની છબિ સુધારવા પ્રયાસ કરી રહી છે. ભૂતકાળમાં રૂપાણી સરકારે પણ આ પ્રયાસ કરી જોયો હતો પરંતુ તેમાં સફળતા મળે એ પહેલાં જ ‘આખી સરકાર’ ને ઘરે બેસાડી દેવામાં આવી હતી.
વર્તમાન પટેલ સરકાર પણ ભ્રષ્ટાચાર નાબુદી માટે ‘ઓપરેશન ગંગાજળ’ નામનું અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત હમણાં હમણાં રાજ્યના એવા 11 અધિકારીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા, જેમના વિરુદ્ધ લાંબા સમયથી ફરિયાદો હતી અથવા ગેરરીતિઓ કે ભ્રષ્ટાચાર સંબંધે કાર્યવાહીઓ ચાલી રહી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ 11 અધિકારીઓ પૈકી 1 અધિકારી મનોજ લોખંડે ભૂતકાળમાં જામનગર જિલ્લાના રજિસ્ટ્રર હતાં. તેનો પણ ‘ઓપરેશન ગંગાજળ’માં વારો ચડી ગયો છે અને હાલ ઘરે પ્રભુ ભક્તિ કરી સમય પસાર કરે છે.
‘ઓપરેશન ગંગાજળ’ નો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો હોવાનું સૂત્ર જણાવે છે. સરકારે આ પ્રકારના કુલ 108 અધિકારીઓની યાદી તૈયાર કરેલી, જે પૈકી 11 અધિકારીઓને કાયમ માટે ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. બાકીના 97 અધિકારીઓની ફાઇલો ધ્યાનપૂર્વક તપાસવામાં આવી રહી છે. આ ઉપરાંત અત્યંત આધારભૂત સૂત્ર એમ પણ જણાવે છે કે, ભૂતકાળમાં જે અધિકારીઓ વિરુદ્ધ વિજિલન્સ કે ખાતાંકીય તપાસો શરૂ થયેલી હોય અને આજની તારીખે પણ ‘આવા’ અધિકારીઓ ‘સલામત’ રહી શક્યા હોય, એમની પણ યાદી તૈયાર કરો. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ પ્રકારની સૂચનાઓ સૌ સંબંધિત વિભાગોને આપી છે.
ટૂંકમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ પર ઝડપથી આગળ વધવા ઈચ્છે છે, એવા આ સંકેતો છે. સરકારની છબિ સુધારવા હજુ કેટલાંક અધિકારીઓને કાયમ માટે ઘરે બેસાડી દેવા, સરકાર આતુર હોય તેમ સમજાઈ રહ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાહેરમાં બળાપો વ્યક્ત કરી, બાદમાં સરકારી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ હાથ ધરી હતી. જો કે, એ પછી ગણતરીના સમયમાં જ ખુદ રૂપાણી સરકાર ‘આખેઆખી’ ઘરભેગી થઈ ગઈ હતી. જો કે એમ બનવા પાછળ અન્ય કારણ પણ હોય શકે છે.