Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા પંચાયતમાં શાસકપક્ષના ઘરમાં ‘આગ’ ફાટી નીકળી છે, આગ લગાડી છે જામનગર જિલ્લા ભાજપાના અગ્રણી- જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષે. આ મહાનુભાવ ડાહી ડાહી વાતો કરીને, એવા કોન્ટ્રાક્ટરને બચાવવા હવાતિયાં લગાવે છે, જે કોન્ટ્રાક્ટરને ખુદ મુખ્યમંત્રીએ ‘આઉટ’ કરી દીધો છે, આ કોન્ટ્રાક્ટર જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં અંદાજે રૂ. 350 કરોડના કામો હાથ પર ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. જો કે, આ કોન્ટ્રાક્ટરની સરકારી નોંધણી પર હાલ ‘લાલ ચોકડી’ લાગી ગઈ છે. આ કોન્ટ્રાક્ટરના માણસે જામનગર જિલ્લા પંચાયતના એક અધિકારીની હત્યાનો પ્રયાસ કરેલો, જે કેસમાં જેલવાસ પણ રેકર્ડ પર છે અને એમ છતાં કારોબારીના પૂર્વ અધ્યક્ષ આ કોન્ટ્રાક્ટરને ‘સજજન’ લેખાવે છે.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે, જામનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ ભરત બોરસદીયાએ જિલ્લા વિકાસ અધિકારીને ગત્ 11 ઓક્ટોબર આસપાસ એક પત્ર લખેલો. એમ કહેવાય છે કે, આ પત્રમાં તેમણે એમ લખ્યું છે કે, જૂનાગઢની સ્વસ્તિક કન્સ્ટ્રક્શન નામની કોન્ટ્રાક્ટર એજન્સી, જે.બી. કન્સ્ટ્રક્શન કંપની અને મેઘા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિકો અને કર્મચારી અમિત ઝાલા સ્વભાવે સારાં અને વેપારી માનસ ધરાવતા સજજન માણસો છે. તેઓ દાદાગીરી કે માથાભારે અસામાજિક પ્રવૃતિઓમાં સામેલ હોય, એવું કોઈના ધ્યાનમાં નથી.
ભરત બોરસદીયાએ શું લખ્યું છે એ વાંચી લીધાં બાદ હવે હકીકત જાણો. અમિત ઝાલા સહિતના, સ્વસ્તિક કન્સ્ટ્રક્શનના અડધો ડઝન માણસો વિરુદ્ધ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હત્યા પ્રયાસની કલમો સહિતની FIR દાખલ છે, કેસ ચાલે છે, અમિત ઝાલા સહિતના 6 શખ્સોએ જેલના સળિયા પણ ગણેલા છે. જેને ભરત બોરસદીયાએ ‘સજજન’ લેખાવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જૂનાગઢની આ સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપનીને 3 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરી નાંખી છે. કારણ કે, અમિત ઝાલા સહિતના 6 શખ્સો વિરુદ્ધ જામનગરના એક સરકારી ઈજનેરની હત્યા માટે પ્રયાસ કરવાનો આરોપ છે. 3 વર્ષ માટે આ કંપની તથા તેના ભાગીદારોની અન્ય કંપનીઓ CMના આ પગલાંથી તકલીફમાં મૂકાઈ ગઈ છે. સૌરાષ્ટ્રના અડધો ડઝન જેટલાં જિલ્લાઓમાં આ લોકોના 350 કરોડના સરકારી કામો ચાલી રહ્યાનું જાણવા મળેલ છે. તે દરમિયાન ભરત બોરસદીયાના પત્રની વિગતો લીક થઈ.
ભરત બોરસદીયા કહે છે: આ કોન્ટ્રાક્ટરોના ભૂતકાળના અને હાલના કામો સારી ગુણવત્તા ધરાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કોન્ટ્રાક્ટરના માણસ અમિત ઝાલા સહિતના અન્ય શખ્સોએ ગુણવત્તા મામલે જ ઈજનેરની ઉપર હુમલો કરેલો, એવું FIR કહે છે. ભરતભાઈ આ FIR ભૂલી કોન્ટ્રાક્ટરોને ગુણવત્તા પ્રમાણપત્ર શા માટે આપી રહ્યા છે ?! કોન્ટ્રાક્ટરો અતિ શ્રીમંત અને ભરત બોરસદીયાના કહેવા અનુસાર, સજજન છે એટલે ?
જામનગર જિલ્લા પંચાયતના મકાન અને માર્ગ વિભાગના કાર્યપાલક ઈજનેર કે.બી.છૈયા Mysamachar.in સાથેની વાતચીતમાં કહે છે: અમારા એસોસીએશને CM સમક્ષ આ કોન્ટ્રાક્ટરની ફેવર નથી કરી અને અમોને સાંભળી લીધાં બાદ CMની સીધી સૂચનાથી સ્વસ્તિક કન્સ્ટ્રક્શનનું રજિસ્ટ્રેશન 3 વર્ષ માટે ફ્રીઝ થયું છે, આ પાર્ટી સાથે માત્ર જામનગર જિલ્લા પંચાયત જ નહીં, ગુજરાત સરકાર પણ 3 વર્ષ સુધી ‘બિઝનેસ’ કરી શકે નહીં, એવી આ કાયદામાં જોગવાઇ છે. કારણ કે, સરકારી અધિકારીની હત્યાનો પ્રયાસ ગંભીર ગુનો છે.(તસ્વીર જે તે સમયે જામનગરના ધ્રોલના ઇટાળા ગામે થયેલ હુમલા વખતની છે)