Mysamachar.in-અમદાવાદ:
કેટલાક ઇસમોના મગજ એટલા શાતીર હોય છે કે આવા ઈસમો એવા કાવતરા ઘડી કાઢે જેનાથી ક્યારેક પોલીસ પણ વિચારતી રહી જાય છે, આવો જ એક કિસ્સો તાજેતરમાં અમદાવાદમાં આવ્યો જેમાં ગત 28 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના નવરંગપુરામાં 3 શખ્સોએ ભેગા મળીને એક નકલી આંગડિયા પેઢી ઊભી કરી અને એક જ્વેલર્સના શો-રૂમમાંથી 2100 ગ્રામ સોનું રોકડમાં ખરીદવાનું કહીને જ્વેલરી શો-રૂમના માલિકને 1.30 કરોડની અનુપમ ખેરના ફોટોવાળી નકલી નોટો પધરાવી દીધી જો કે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ કિસ્સામાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
જોવા જેવી ત્યારે થઇ જ્યારે આ ગુન્હાને અંજામ આપી નાશી છુટેલા આરોપીઓ જે તે વખતે ભાગી છુટ્યા બાદ પોતપોતાનો ભાગ લેવા જ્યારે પરત આવ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી દીપક રાજપૂત, નરેન્દ્ર જાદવ અને કલ્પેશ મહેતાની ધરપકડ કરી લીધી છે,
આરોપીઓ નોટ છપાવવા ગયા ત્યારે તેમણે ઝેરોક્ષના દુકાનદારને એવું જણાવ્યું હતું કે, બોલિવૂડના ફિલ્મના શૂટિંગ માટે નકલી નોટની જરૂરિયાત પડી છે. ફિલ્મમાં વિલન આ નકલી નોટો ઉડાવશે તે માટે આટલી મોટી સંખ્યામાં નકલી નોટો છાપવાની હોવાનું જણાવી અને નોટો છપાવી હતી
ત્રણેય ઈસમો પોલીસને હાથ લાગ્યા બાદ પૂછપરછમાં સામે આવ્યું કે, દીપક અન્ય આરોપીને સેન્ટ્રલ જેલમાં મળ્યો હતો. જામીન પર બહાર આવ્યા બાદ દીપકે અન્ય બે આરોપીઓને પણ જામીન પણ છોડાવ્યા હતા. ત્રણેયને આર્થિક દેવું હતું જેથી ત્રણેય આરોપીએ આ પ્રકારે પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. જે માટે નવરંગપુરામાં તેઓએ એક ઓફિસ ભાડેથી લીધી હતી. આ ઓફિસમાં નકલી આંગડિયા પેઢી ઊભી કરી હતી. આ ઉપરાંત અલગ-અલગ આરોપીઓનો રોલ નક્કી કરીને છેતરપિંડીનો પ્લાન પણ બનાવી લીધો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે અમદાવાદમાંથી જ આ ગુનાના આરોપી દીપક રાજપૂત, નરેન્દ્ર જાદવ અને કલ્પેશ મહેતાની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પૈકી દીપકે બનાવ સમયે સરદારજીનો વેશ ધારણ કર્યો હતો. નરેન્દ્ર દીપકને પોતાના બાઇક પર બેસાડીને ભાગી ગયો હતો. અન્ય આરોપીઓની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે 18 સોનાના બિસ્કિટ કબજે કર્યા છે, જેની કિંમત 1.37 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત અનુપમ ખેરના ફોટાવાળી 300 નોટ અને મોબાઈલ ફોન પણ મળી આવ્યાં છે. આ ગુનામાં ભૂપેશ સુરતી, વિજેન્દ્ર ભટ્ટ, અરવિંદ ડામોર અને પ્રભુ નામનો અન્ય એક આરોપી એમ ચાર આરોપી હજુ ફરાર છે. તેમના પણ આ ગુનામાં અલગ-અલગ રોલ છે.