Mysamachar.in-જામનગર:
રાશનકાર્ડધારકોની તકલીફો મોટી હોય છે, દુકાનો પરથી અનાજ સહિતની ચીજોનો જથ્થો મોડો મળવો, ઓછો મળવો અથવા યોગ્ય ગુણવત્તા ધરાવતી ચીજો ન મળવી એવી અનેક ફરિયાદો નાના માણસો કરતાં રહેતાં હોય છે, પરંતુ આ ફરિયાદોનો જિલ્લાકક્ષાએ ભાગ્યે જ પડઘો પડતો હોય છે. જિલ્લાનું પૂરવઠા તંત્ર અન્ય કામોમાં વ્યસ્ત રહેતું હોય છે અથવા ધ્યાન આપતું હોય છે. તાજેતરમાં પણ જામનગરના હજારો રાશનકાર્ડધારકો ચિંતાઓમાં છે. દીવાળી ટાણે હોળી છે, ઘરમાં અનાજ વગેરે ચીજોના ડબલાં ખાલી અને માથે તહેવાર. આ વખતે અનાજ વિતરણમાં વિલંબનું કારણ વિચિત્ર છે.
આજે 16 તારીખ ને શરદ પૂર્ણિમા. દીવાળીના તહેવારો આડે માંડ અમુક જ દિવસ બાકી બચેલા છે. આમ છતાં હજુ સુધી શહેરના બેડેશ્વર સરકારી અનાજ ગોદામ ખાતેથી શહેરની 85 રાશનકાર્ડ દુકાનોને ઓક્ટોબર મહિનાનો અનાજ સહિતનો જથ્થો આપવામાં આવતો નથી. કારણ એવું છે કે, ગોદામના મહિલા મેનેજર ખાતાંકીય પરીક્ષામાં રોકાયેલા છે. તેમની જગ્યાએ અન્ય અધિકારીને ચાર્જ આપવામાં આવ્યો નથી. અનાજ વિતરણ કામગીરીઓ બંધ. કેમ ? જામનગરના પૂરવઠા વિભાગ પાસે અધિકારીઓનો ‘જથ્થો’ નથી ?! આ મહત્વપૂર્ણ અધિકારીની જગ્યા તહેવાર ટાણે ખાલી કાં ?! રાશનકાર્ડધારકોની આ તહેવાર ટાણાંની તકલીફોનું શું ?
Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જિલ્લા પૂરવઠા અધિકારી બારડ કહે છે: ગોદામના મહિલા મેનેજર ખાતાંકીય પરીક્ષામાં છે. આજે પરીક્ષા પૂર્ણ થઈ રહી છે. તેઓ આવી જશે એટલે 22 તારીખ સુધીમાં દરેક દુકાનદારને અનાજ વગેરેનો જથ્થો આપી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 22 તારીખ પછી તો દીવાળી તહેવારના દિવસો શરૂ થઈ ગયા હશે. તહેવારોમાં દુકાનદારોએ દુકાનોમાં બેસવાનું ? રાશનકાર્ડધારકોએ તહેવારોમાં કતારોમાં ઉભવાનું ? તહેવાર માટેની ખાદ્ય સામગ્રીઓ ગરીબોના ઘરોમાં બનશે ક્યારે ?! આવી કોઈ જ ચિંતાઓ જામનગરનું પૂરવઠા તંત્ર કરતું નથી. કહેવાતા નેતાઓને તો આ મહત્વપૂર્ણ વિષય અંગે જાણકારીઓ પણ નહીં હોય, લોકોનું કોણ ?! આ પ્રશ્ન મોટો છે અને સંવેદનશીલ તથા ગંભીર છે.