Mysamachar.in-આણંદ:
આપણું ગુજરાત રાજ્ય દારૂબંધીવાળું રાજ્ય છે પણ કેટલાક કિસ્સાઓમાં આ રાજ્યમાં ખાખી વર્દીની ભૂંડી ભૂમિકાઓ સામે આવ્યાના કેટલાય કિસ્સાઓ રેકોર્ડ પર છે, એવામાં વધુ એક વખત ત્રણ પોલીસકર્મીઓને બુટલેગરને કારણે ડાઘ લાગ્યો છે અને બુટલેગર સાથે ગોઠવણ કરવા જતા ત્રણેય પોલીસકર્મીઓ એસીબીના છટકામાં ફસાઈ ચુક્યા છે.
આ અંગેની જાહેર થયેલ વિગતો એવી છે કે આણંદ જિલ્લાના પેટલાદમાં આવેલ સ્ટેશન ચોકીમાં ફરજ બજાવતાં એએસઆઈ રામ વેલાભાઈ ખોડા, કોન્સ્ટેબલ હિતેશ દિપસંગભાઈ રાઠોડ અને ધનરાજસિંહ કેસરીસિંહ મહીડાએ ચાર મહિના અગાઉ નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં આરોપીના માર ના મારવા સહીતના બદલામાં બુટલેગર પાસે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રકઝકને અંતે આ ત્રણેય પોલીસ કર્મીઓએ લાંચની રકમ ઘટાડીને 45 હજાર નક્કી કરી હતી. જોકે, આ બુટલેગરની પત્ની લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ આ અંગે એ.સી.બી નો સંપર્ક સાધતા એસીબીએ વોચ ગોઠવી દીધી હતી.
જે બાદ નડિયાદ એસીબીની ટીમે પેટલાદ સ્ટેશન ચોકીમાં છટકું ગોઠવ્યું હતું અને બુટલેગરની પત્ની પાસેથી લાંચ પેટે 45,000 રૂપિયા સ્વીકારતા એએસઆઈ રામભાઈ વેલાભાઈ ખોડા, કોન્સ્ટેબલ હિતેશભાઈ દિપસંગભાઈ રાઠોડ અને ધનરાજસિંહ કેસરીસિંહ મહીડાને રંગેહાથ દબોચ્યાં છે. જે બાદ આ ત્રણેય પોલીસકર્મીઓને નડિયાદ ACB કચેરી ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.