Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો ચિંતાનો અને ગંભીર વિષય એ છે કે, કરોડો લોકો જે ખાદ્ય પદાર્થો અને ઠંડા પીણાં સહિતની હજારો ચીજો પોતાના આંતરડામાં ઠાલવે છે, તે ચીજો ગુણવત્તાની દ્રષ્ટિએ બેસ્ટ હોય છે- એવું છાતી ઠોકીને કહી શકાય એવી સ્થિતિઓ નથી. સ્થિતિઓ અતિ ગંભીર છે. આપણે વાસી ચીજો આરોગીએ છીએ, આપણે ભેળસેળવાળી ચીજો આરોગીએ છીએ, આપણે નકલી ખાદ્ય પદાર્થ અને પીણાં આપણાં પેટમાં ઠાલવીએ છીએ- મહાનગરપાલિકાની ફૂડ શાખા કે સરકારનો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, આપણને આ ઉપાધિથી બચાવી શકતા નથી, કેમ કે સરકાર કરોડો લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે, આ મુદામાં ગંભીર નથી. તબીબો અને મેડિકલ સ્ટોર સૌ મોજમાં અને હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ વ્યવસાય પણ મોજમાં. ફૂડ અધિકારીઓ માત્ર નામ પૂરતાં.

કરોડો લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણ બેદરકાર સરકાર- 3 થી 17 ઓક્ટોબર ફૂડ સેફટી પખવાડિયાની ‘સરકારી’ ઉજવણી કરી રહી છે. માર્ગ સલામતી સપ્તાહની માફક આ પણ મોટું નાટક છે. કેમ કે, ફૂડ શાખાના અધિકારીઓ જે ચીજોના રૂટિન દરમિયાન નમૂનાઓ લે છે, એ તમામ ચીજો ધંધાર્થીઓ વેચી નાંખે, લોકો આરોગી લે, પછી 14 દિવસે એ ચીજોના રિપોર્ટ આવે ! અને, ફૂડ અધિકારીઓએ જે ખાદ્ય ચીજોના નમૂનાઓ સર્વેલન્સ હેઠળ લીધાં હોય, તેના રિપોર્ટ પણ અઠવાડિયે આવે, એ પહેલાં તો તમે એ ચીજ આરોગી લીધી હોય, ધંધાર્થીઓએ રોકડી કરી લીધી હોય, અધિકારીઓ મંજીરા વગાડતાં રહે.
જામનગરમાં વર્ષોથી આ ગંભીર હાલત છે. શહેરમાં ધંધાર્થીઓને મોજ છે. શહેરમાં દવાખાના, હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર ધમધોકાર ધમધમી રહ્યા છે. ફૂડ શાખા થોડાં થોડાં દિવસે નમૂનાઓ લીધાંની જાહેરાતો અખબારી યાદીઓ દ્વારા જાહેર કરે- આ પ્રકારના નાટકોનો કોઈ જ અર્થ નથી. તમારાં સ્વાસ્થ્યની ચિંતાઓ તમારે જ કરવાની છે.

એવી ચર્ચાઓ જો કે થઈ રહી છે કે, જામનગર શહેરમાં આ રીતે જે નમૂનાઓ એકત્ર કરવામાં આવે, તેના રિપોર્ટ જામનગરમાં જ તાત્કાલિક ઉપલબ્ધ થઈ શકે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવવા મહાનગરપાલિકા પ્રયાસો કરી રહી છે. પરંતુ આ નવી વ્યવસ્થાઓ અમલમાં આવે ત્યારે ખરી. હાલમાં આ દિશામાં મહાનગરપાલિકાએ સરકાર સમક્ષ લેખિતમાં આવી કોઈ માંગણી કરી હોય, એવું રેકર્ડ પર ન હોવાનું આધારભૂત સૂત્ર જણાવે છે. શક્ય છે કે, આ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવાની તૈયારીઓ ચાલી રહી હોય.
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ જાહેર કર્યું છે કે, ગઈકાલે રવિવારે ફૂડ સેફટી પખવાડિયાની ઉજવણી અંતર્ગત, શહેરના પ્રકાશ અને ગાયત્રી રેસ્ટોરન્ટ (લાલબંગલા), પ્રેસિડેન્ટ હોટેલ સામેના વેજ ટેલેટ રેસ્ટોરન્ટ, મદ્રાસ- સ્વાતિ- ન્યૂ રામ ડેરી- કલ્પના હોટેલ, રેડ ચિલી પાર્સલ પોઈન્ટ, રાજભોગ રેસ્ટોરન્ટ, મિ.જેઠાલાલ રેસ્ટોરન્ટ, આતિથ્ય હોટેલ અને ફૌજી પંજાબી ધાબામાંથી નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે અને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ( દીવાળી સુધીમાં આ બધાં ધંધાર્થીઓ લાખો રૂપિયાની કમાણી કરી લેશે, બાદમાં રિપોર્ટ આવશે અને એ પણ હકીકત છે કે, જામનગરમાં લોકોને ચોંકાવી દે એવા રિપોર્ટ ભાગ્યે જ આવે છે, આપણે ત્યાં બધું સારૂં હોય છે).
