Mysamachar.in-
ગુજરાતમાં મોઢું મીઠું કરવું…ચા-પાણી પીવડાવવા અને સમજવું પડશે…એવા જુદાં જુદાં સેંકડો કોડના આધારે, કામ કરાવનાર અને કામ કરી આપનાર વચ્ચે લાંચ વ્યવહાર દિનરાત ધમધમે છે, જેની હવે કોઈને પણ નવાઈ રહી નથી કેમ કે, અગાઉ સિક્રેટ લેખાતો આ વ્યવહાર હવે ઓપન ટુ ઓલ થઈ ચૂક્યો છે- એમ માનવાનું મન થઈ આવે, એટલી હદે લાંચિયા ઉપરાઉપરી ઝડપાઈ રહ્યા છે અને લાંચના મામલામાં ભાગ્યે જ કોઈ વિભાગ બાકી બચતો હોય, લોકોએ હવે સ્વીકારી લીધું છે કે, કામ તો લાંચ આપીશું તો જ થશે, લોકોની આ પ્રકારની માનસિકતાને કારણે લાંચનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે હવે તો, લાંચ માંગવી શરમ રહી નથી અને લાંચની ઓફર કરવામાં પણ કોઈને કશો સંકોચ થતો નથી.
મોંઘવારી અને ફુગાવો તથા કુંડાળાઓની સંખ્યા મોટી થઈ રહી હોય, લાંચની રકમો પણ મોટી થઈ રહી છે- નાની લાંચમાં પટ્ટાવાળાઓ સિવાય હવે કોઈને, કશો રસ નથી. જેને કારણે લાંચ રૂશવત વિરોધી તંત્ર હવે સતત વ્યસ્ત રહે છે અને રોજેરોજ દૈનિક કામગીરીઓ જાહેર કરે છે. લાંચના સમાચાર પણ હવે છેતરપિંડીઓ અને અકસ્માતો તથા આપઘાત માફક રોજિંદા બની ગયા છે.
ગુજરાતના વિવિધ જિલ્લામાં લાંચના વધુ 4 કેસ દાખલ થયા. અડધો ડઝન લાંચિયા ઝડપાયા. અમદાવાદનો અહેવાલ કહે છે: એક જ્વેલર્સને CGST અધિકારીઓએ કહ્યું કે, 35 લાખ પેનલ્ટી ભરવી પડશે, મામલો સૂલટાવવો હોય તો સવા લાખનો ચાંદલો રોકડો આપી દો. આ મામલામાં અધિકારીઓ ઓડિટ સુપ્રિટેન્ડેન્ટ મોહમ્મદ રિઝવાન શેખ, ઈન્સ્પેક્ટર કુલદીપ કુશવાહ અને વચેટીયો ભૌમિક સોની એમ ત્રણ ઝડપાયા. આ ઉપરાંત પેન્શન પેમેન્ટ ઓફિસનો એક નાયબ એકાઉન્ટન્ટ મહેશ દેસાઈ રૂ. 5,000ની લાંચમાં ઝડપાયો.
આ બે મામલા ઉપરાંત અન્ય બે મામલા બેંક સંબંધિત છે. પાટણની ઈન્ડિયન બેંકનો સિનિયર બ્રાંચ મેનેજર રામસીંગ ગાડારામ યાદવ રૂ. 15,000 ની લાંચમાં અને મહીસાગર જિલ્લાના સંતરામપુરની બેંક ઓફ બરોડાનો ઓફિસર મહેન્દ્ર શિવરામ જાટવ રૂ. 20,000ની લાંચમાં ઝડપાઈ ગયો છે. ગુજરાતી અધિકારીઓની માફક પરપ્રાંતિય અધિકારીઓ પણ લાંચના બિઝનેસમાં સારી એવી દિલચસ્પી ધરાવતાં હોવાનું બહાર આવી રહ્યું છે. લાંચ ન જોવે નાતજાત- એ રીત મુજબ લાંચ ગુજરાતમાં જાણે કે ટ્રેન્ડ સેટ કરી રહી છે.