Mysamachar.in-જામનગર:
અત્યારે તહેવારોની શરૂઆત થઈ ચુકી છે જેમાં હાલ નવરાત્રીનું પવિત્ર અને પાવન પર્વ ચાલી રહ્યું છે જેમાં બહેન-દિકરીઓ મોડે સુધી ગરબા રમી અને પોતાના ઘરે પરત ફરતાં હોય છે ત્યારે પોલીસની સાથે રહીને કાયદો-વ્યવસ્થામાં મદદ કરવાની જવાબદારી હોમગાર્ડઝ સભ્યોની પણ એટલી જ રહેલ છે
હોમગાર્ડઝ સભ્યો કાયમ રાત્રી અને દિવસ ફરજો બજાવતા હોય છે પરંતુ જ્યારે કોઈ તહેવારો હોય ત્યારે તે દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોમગાર્ડઝ સભ્યોએ સતર્ક રહીને સમયસર પોતાની ફરજ બજાવવાની હોય છે જેમાં બેદરકારી દાખવવી ખુબ જ ગંભીર બાબત ગણાય
આવી બેદરકારી દાખવનાર જામનગર સીટી એ યુનિટના 9, સીટી બી યુનિટના 3, અને સીટી સી યુનિટના 3 મળી એમ કુલ 15 હોમગાર્ડઝ સભ્યોને નવરાત્રી ફરજ અને નવરાત્રિ સમયે રાત્રિ ફરજ દરમ્યાન બેદરકારી દાખવવા બદલ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ જી.એલ.સરવૈયાએ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો હુકમ કર્યો છે.
આ ઉપરાંત અન્ય એક હોમગાર્ડઝ સભ્ય પર છેલ્લા ચાર પાંચ વર્ષથી ફોજદારી કેસ ચાલતો હોવા છતાં તેની હકિકત પોતાની સીટી ઓફિસ અને જિલ્લા કચેરીથી છુપાવી રાખેલ હતી અને એ કેસમાં એક વર્ષની સજા થતાં પકડ વોરંટના આધારે જેલમાં મોકલી દેવામાં આવતાં અને અડતાલીસ કલાકથી વધુ સમય જેલમાં વિતાવેલ હોય અને કોર્ટે સજા ફટકારેલ હોય હોમગાર્ડઝ એક્ટની કલમ મુજબ એ હોમગાર્ડઝ સભ્યને દળમાંથી બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.