Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના દરેડમાં આવેલાં BRC ભવનની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરણ 1 થી 5 ના બાળકોને આપવાના સેંકડો પુસ્તકો વરસાદી પાણીમાં પલળી ગયા. સૂકવેલી માછલીના ખાતરની વાત તો તમે સાંભળી હશે, આ શૈક્ષણિક સત્તાવાળાઓએ તો પલળેલાં પુસ્તકો તડકામાં સૂકવીને ભૂલકાંઓને વિતરિત કર્યા !
BRC ભવનમાં ધોરણ 1 થી 5 ની સ્વાધ્યાય પોથીઓ, ધોરણ 1 અને 2 ની પ્રજ્ઞા બુક્સ તથા પુસ્તકાલયના કેટલાંક પુસ્તકો અને નોટબુકસ વગેરે વરસાદના પાણીમાં પલળી ગયાનું બહાર આવ્યું છે. આ પુસ્તકો CRC અને શાળાઓ મારફતે ભૂલકાંઓને વિતરિત કરવાના હોય છે. સમયસર વિતરણ ન થવાને કારણે તથા વરસાદના દિવસોમાં પુસ્તકોની સાચવણી સલામતી અંગે બેદરકારીઓ દાખવવાને કારણે, આમ બન્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.
અચરજની વાત એ પણ છે કે, હજારેકથી વધુ પુસ્તક વગેરે પલળી ગયા અને શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, એવા સમયે બનેલી આ ઘટના અંગે BRC સત્તાવાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ પણ ન કરી, એ પણ કેવડી બેદરકારી ?! જામનગરના DPEO વિપુલ મહેતા કહે છે, આવી કોઈ જાણકારીઓ અમોને જેતે સમયે BRC સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવી ન હતી. કુલ પુસ્તકો પૈકી અંદાજે દસેક ટકાથી વધુ પુસ્તકો વરસાદમાં (રાષ્ટ્રીય આફત)માં પલળી ગયા છે અને તે પૈકી અમુક પલળેલાં પુસ્તક તડકામાં સૂકવી બાળકોને વિતરિત કરવામાં આવ્યા છે અને બાળકોની સંખ્યાના પ્રમાણમાં પુસ્તકોની જે ઘટ જણાશે તે પુસ્તકો બાળકોને આપવા આ અંગે રાજ્યકક્ષાએ માંગ કરવામાં આવી છે અને સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.
અચરજની વાત એ છે કે, પુસ્તકો વરસાદી પાણીમાં પલળી જાય એ સ્થિતિમાં શા માટે રહ્યા ?! BRC ભવનના જવાબદારો વરસાદના દિવસોમાં બેદરકાર શા માટે રહ્યા ? શૈક્ષણિક સત્ર તો જૂનમાં શરૂ થયું, સપ્ટેમ્બરની 10-12 તારીખ સુધી આટલાં બધાં પુસ્તકો ત્યાં BRC ભવનમાં શા માટે પડ્યા હતાં ? આ સેંકડો પુસ્તકો ભૂલકાંઓને શા માટે વિતરિત કરવામાં આવ્યા ન હતાં ?! આટલાં બધાં ભૂલકાં આ સરકારી પુસ્તકોના લાભથી વંચિત રહ્યા, મોટાભાગનું શૈક્ષણિક સત્ર પૂર્ણ થયું- આ બધી બાબતો ઘણી જ ગંભીર લેખી શકાય. જિલ્લાના BRC ભવનમાં વરસાદ કહેર મચાવે- એ કેવું ?! શિક્ષણ સંબંધિત ભવનોમાં આ પ્રકારની બેદરકારીઓ શા માટે ચાલી રહી છે ? અને, આ પ્રકારની બધી જ જવાબદારીઓ સમયસર અને સારી રીતે નિભાવવામાં આવી હોત તો, સેંકડો ભૂલકાં આ જ્ઞાન તથા પુસ્તકોથી વંચિત ન રહ્યા હોત. આ પ્રકારની બેદરકારીઓ ગંભીર લેખી સંબંધિત સત્તાવાળાઓએ દાખલારૂપ પગલાંઓ લેવા જોઈએ. આ આખા પ્રકરણમાં સેંકડો ભૂલકાંઓને શિક્ષણમાં જે નુકસાન થયું, તે કેવી રીતે ભરપાઇ થઈ શકે ?