Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના મેઘપર પડાણા પોલીસ મથકમાં હત્યાનો એક ગુનો દાખલ થયો છે, દિયર-ભાભીના પ્રેમ સંબંધ બાદ, આ સંબંધમાં વળાંક આવ્યા પછી, હત્યાની આ ઘટના બની હોવાનું ફરિયાદ પરથી સમજાઈ રહ્યું છે. આ બનાવે મેઘપર પંથકમાં ચકચાર મચાવી છે. મેઘપર પડાણા પોલીસ મથકમાં આ ફરિયાદ ગત્ રાત્રે 2 વાગ્યે દાખલ થઈ છે. જેમાં જણાવાયા અનુસાર, ત્રીજી ઓકટોબરે રાત્રે ફરિયાદીના પત્નીની પથ્થરો વડે હત્યા થઈ છે. હત્યાનો આરોપી ભોગ બનનારનો દિયર અને ફરિયાદી મૃતક પરણીતાનો પતિ છે.
કચ્છના માંડવી તાલુકાના વતની, હાલમાં જાંખર ગામના સોસાયટી વિસ્તારમાં ધર્મેન્દ્રસિંહ જેઠવાના મકાનમાં રહેતાં અને ડ્રાઇવિંગનો ધંધો કરતાં 36 વર્ષના બળવંતસિંહ પ્રેમસંગજી સોઢાએ પોતાના જ નાના ભાઈ વિજયસિંહ સોઢા વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરાવી છે. વિજયસિંહ પર આરોપ એ છે કે, તેણે પોતાના ભાભી એટલે કે ફરિયાદીના પત્નીની હત્યા નિપજાવી છે.
ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી અને મૃતક એટલે કે દિયર અને ભાભી વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો. બાદમાં પતિએ આ અંગે સમજાવતા આ પરણીતા માની ગયા હતાં અને પોતાના દિયરથી દૂરી રાખતા હતાં. આ પરણીતા પોતાના દિયરનું કશું કહ્યું માનતા ન હતા અને એમનું કહ્યું કરતા ન હતા આથી, ફરિયાદીનો નાનો ભાઈ-આરોપી પોતાના ભાભી પ્રત્યે ખાર રાખતો થયો હતો. તે દરમિયાન આરોપીએ પોતાના 30 વર્ષના ભાભી રીનાબા પર પથ્થર વડે હુમલો કર્યો, મોઢા પર તથા કપાળમાં ઈજાઓ પહોંચાડી અને આ ઈજાઓને કારણે રીનાબાનું મૃત્યુ થયું. આ પ્રકારની વિગતો મૃતકના પતિએ પોલીસમાં જાહેર કરી છે. પોલીસ ઈન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલના માર્ગદર્શન મુજબ, મેઘપર પોલીસ બનાવની તપાસ ચલાવી રહી છે અને આરોપીની શોધખોળ કરી રહી છે.