Mysamachar.in-જામનગર:
મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.2/10/2024 થી 8/10/2024 સુધી સમગ્ર રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન હાથ ધરાયેલ છે.જેના ભાગરૂપે ગત તા.2/10/2024 ના રોજ સવારે 08:30 કલાકે ટાઉનહોલ, જામનગર ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવેલ જે કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ મહાત્મા ગાંધીજીની પ્રતીમાને સુતરની આંટી અર્પણ કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવેલ.
ઉજવણીના આ કાર્યક્રમ અંતર્ગત નવાનગર ક્રિકેટ એકેડમીના યુવા ક્રિકેટરો દ્વારા ટાઉનહોલથી શરૂ કરી લીમડા લેન થઈ ટાઉનહોલ સુધી વ્યસનમુક્તિના સુત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરાયું હતું જ્યારે જાયન્ટસ ક્લબ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી જેનું લીલી ઝંડી બતાવી નશાબંધી અને આબકારી અધિક્ષક સહદેવસિંહ વાળા દ્વારા પ્રસ્થાન કરાવાયુ હતું.આ સપ્તાહ દરમિયાન મહિલા વ્યસન મુક્તિ સેમીનાર, કોલેજ અને શાળાઓમાં વ્યસન મુક્તિ પ્રચાર, રેડિયો ટીવી કલાકરો દ્વારા ડાયરા સહિતના કાર્યક્રમો થકી વ્યસનીઓ વ્યસન મુક્ત બને તેવા પ્રયાસો કરવામાં આવશે.
