Mysamachar.in-જામનગર:
બે દિવસ પૂર્વેની વાત છે કે દ્વારકાના બરડિયા નજીક એક ખુટીયો આડે ઉતર્યો અને બસનો અકસ્માત અન્ય વાહનો સાથે સર્જાતા 7 લોકોએ જિંદગી ગુમાવી…ના માત્ર દ્વારકા પણ જામનગર શહેર અને જીલ્લામાં પણ આવી જ સ્થિતિ છે, જામનગરના લગભગ તમામ હાઈવે પર પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે અને ગમે ત્યારે રસ્તે જતા વાહનોની આડે ઉતરે એટલે વાહનચાલકો કાબુ ગુમાવી બેસે છે, આવો જ વધુ એક કિસ્સો આજે જામનગરમાં પોલીસ દફતરેથી સામે આવ્યો છે.

આ અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા ભીમશીભાઇ ધરણાંતભાઇ મારૂ ઉ.વ 61 નામના વૃધ્ધ ગત તા. 2-9ના રોજના રાત્રિના સમયે જામનગરથી તેમના જી.જે.-10ડીપી -4597 નંબરના બાઇક પર તેમના પત્નિ હીરીબેન ભીમસીભાઇ મારૂ ઉ.વ 56 સાથે નાઘેડી જતા હતા તે દરમ્યાન ગોરધનપર નામ નજીક રજવાડું હોટલ પાસે પહોંચ્યા ત્યારે બાઇક આડે કુતરૂં ઉતરતા વૃધ્ધ ચાલકે કાબુ ગુમાવી દેતા બાઇક સ્લીપ થવાથી દંપતિ રોડ પરપટકાયું હતું.
આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ગંભીર હાલતમાં દંપતિને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં ગત તા. 7ના રોજ હિરીબેનનું મોત નિપજયું હતું. જયારે ભીમશીભાઇનું ગત તા.11ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજયાનું તેમના પુત્રએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.(symbolic image)
