Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગર સેવા સદન વધુ એક વખત સમાચાર અને ચકચારનો વિષય બન્યું છે. કમિશનર કચેરીના એક પટ્ટાવાળાએ કાલે ગુરૂવારે બપોર બાદ સ્ટેન્ડિંગ ચેરમેનની ચેમ્બરમાં ધસી જઈ ધમાલ મચાવી દઈ અને ફીનાઈલ જેવું કોઈ પ્રવાહી ગટગટાવી લેતા અફરાતફરી થોડી મીનીટો માટે સર્જાઈ ગઈ હતી જો કે તેને તાકીદે 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલો, જે હાલ ભયમુક્ત હોવાનું જાણવા મળે છે.
આ મામલાની વધુ વિગતો એવી છે કે કમિશનર કચેરીના આ પ્યુનની ગતરોજ સોલિડ વેસ્ટ શાખામાં બદલી થઈ છે. કોઈ કારણસર તેને એવું છે કે, આ બદલી પાછળ ચેરમેનનો દોરીસંચાર છે. આથી ગત્ તા. 18 ના રોજ વિજય પારીયા નામના આ પ્યુને ચેરમેનને ન કહેવાની ભાષામાં ઘણું કહ્યું હતું અને ગેરવર્તન કર્યું હતું, જે અંગે ચેરમેને 19મી એ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકના દિવસે કમિશનરને આ બાબતે અવગત કર્યા હતાં, એમ સ્ટે.કમિટી ચેરમેન નિલેષ કગથરાએ આજે સવારે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું. ચેરમેન વધુમાં જણાવ્યું છે કે, તેમને આ કર્મચારી પ્રત્યે કોઈ વાંધો નથી. શક્ય છે, આ કર્મચારીના આ વર્તન પાછળ અન્ય કોઈ પરિબળ પણ કામ કરતું હોય

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ગત્ 24મી એ ચેરમેને આ કર્મચારી વિરૂદ્ધ પોલીસ વિભાગમાં અરજી પણ આપી હતી અને તેમાં ધમકી વગેરેનો ઉલ્લેખ પણ કર્યો હોવાનું બહાર આવ્યું છે. અને, ત્યારબાદ કાલે 26મી એ ચેરમેનની ચેમ્બરમાં આ પ્રકારની ધમાલ મચી જતાં કોર્પોરેશન ઉપરાંત સમગ્ર શહેરમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, વિજય પારીયાએ આ સમગ્ર મામલા અંગે મીડિયાકર્મીઓ સમક્ષ એમ કહેલું કે “આ ચેરમેને કમિશનર પર દબાણ કરીને મારી બદલી કરાવી છે, તે બધાં કર્મચારીઓને દબાવે છે સહિતના ગંભીર આક્ષેપો પણ કર્યા હતાં.”
