Mysamachar.in-જામનગર:
હવામાન વિભાગની આગાહીઓ બાદ, દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડવાની સાથેસાથે સૌરાષ્ટ્રના પણ કેટલાંક વિસ્તારોમાં ઓછોવધતો વરસાદ નોંધાયો છે અને હવામાન પલટાની આ અસરોના ભાગરૂપે પાછલાં 24 કલાક દરમિયાન, જામનગર જિલ્લામાં પણ બધાં જ છ તાલુકામાં છૂટોછવાયો હળવો વરસાદ અને અલપઝલપ ઝાપટાં નોંધાયા છે.
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન જિલ્લાના વિવિધ ગ્રામ્ય પંથકોમાં તથા તાલુકામથકોએ એકદમ હળવા વરસાદની સ્થિતિઓ રહી. એ દરમિયાન જામનગર શહેરમાં પણ કાલે ગુરૂવારે રાત્રે વરસાદનું એક ઝાપટું વરસી ગયું. પવનની દિશા એ સમયે અચાનક ફરી ગઈ હતી. જો કે આ ઝાપટું જ રહ્યું. ખાસ વરસાદ ન વરસ્યો. પાછલાં 24 કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ પોણાં બે ઈંચ જેટલો વરસાદ કાલાવડ તાલુકાના નવાગામ ખાતે નોંધાયો.

આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન, કાલાવડના મોટા પાંચ દેવડામાં સવા ઈંચ જેટલો અને અન્ય તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારો પૈકી શેઠ વડાળા, ભલસાણ બેરાજા, ધૂનડા, ધ્રાફા, પરડવા, લૈયારા, લાલપુરના હરિપર, કાલાવડના ખરેડી અને જામનગર તાલુકાના જામવંથલી સહિતના વિસ્તારોમાં એકદમ સામાન્ય ઝાપટાં નોંધાયા છે. તાલુકામથકો પૈકી જોડિયા અને ધ્રોલ ખાતે અડધો અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો.(File image)
