Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં જન્મ અને મરણના દાખલા બાબતે ચોક્કસ નિયમોના કારણે ઘણાં લોકોને ઘણાં પ્રકારની ફરિયાદો રહેતી હતી. હવે આ દાખલાઓમાં ફેરફારની પ્રક્રિયાઓ સરળ બનાવવાના આશય સાથે રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારની એક એડવાઈઝરીના આધારે નવો પરિપત્ર જાહેર કર્યો છે. હવે લોકોને આ કામોમાં ઘણી રાહતો મળશે એમ કહેવાય રહ્યું છે.
રાજ્ય સરકારે જાહેર કરેલો નવો પરિપત્ર કહે છે : જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ કલાર્ક દ્વારા કોઈ પણ પ્રકારની ‘ભૂલ’ રહી ગઈ હશે અથવા કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો, આવી ભૂલ યોગ્ય દસ્તાવેજના આધારે, ખરાઈ કરી સુધારી આપવામાં આવશે.
અગાઉ સરકારે આ માટેના અમુક પેટાનિયમ બનાવ્યા ન હતાં અને અમુક પેટાનિયમોનો ઉમેરો બાકી હતો. હવે સરકારે જન્મ મરણના દાખલામાં ફેરફાર માટે વિગતવાર પરિપત્ર જાહેર કર્યો છે, જેથી હવે આ કામ સરળ બનશે.
દાખલા તરીકે: નામ સુધારણાની અરજીઓ અંગે નિર્ણય કરતી વખતે સંબંધિત રજિસ્ટ્રારે અરજદારે અન્ય ઓળખની વિગતો, પિતાનું નામ, છેલ્લું નામ, અટક કે જન્મ તારીખ અથવા કોઈ એક કે તેમાંની કેટલીક વિગતો બદલી આપવાની માંગ કરી છે કે કેમ, એ બધી જ વિગતો ધ્યાન પર લેવાની રહેશે. સંબંધિત રજિસ્ટ્રારે અરજીની સાથે આપવામાં આવેલ ફોટો આઈડી અને ઓળખના અન્ય દસ્તાવેજ ધ્યાન પર લેવાના રહેશે.
અરજદારે આપેલાં પુરાવાની ખરાઈ બાદ, રજિસ્ટ્રારને સત્યતાની ખાતરી થઈ જાય તો નામમાં ફેરફારના સંદર્ભે બે નામ વચ્ચે ઉર્ફે શબ્દનો પણ ઉપયોગ કરી શકાશે. આ ફેરફાર કરી આપ્યા બાદ જન્મ નોંધણી માટેના રજિસ્ટરમાં આ બંને નામો અને ફેરફારની તારીખની નોંધ કરવાની રહેશે.
આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણીજોઈને કરવામાં આવી હશે તો, પુરાવાઓ રજૂ કરવા પડશે અને ખરાઈ બાદ જ ફેરફાર કરી શકાશે. ક્લાર્ક દ્વારા નોંધ તૈયાર કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હોય તો, સંબંધિત રજિસ્ટ્રાર આ ભૂલ કાયદાઓ મુજબ સુધારી આપશે. આ પ્રકારની ભૂલને આગળ ધરીને આ વિભાગ અરજદારની અરજી નકારી શકશે નહીં.