Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એક પણ નવું અને નોંધપાત્ર વિકાસ કામ થયું નથી. જેમાં મહદ અંશે પાલિકામાં આંતરિક સખળ-ડખળને જવાબદાર માનવામાં આવે છે. આ વચ્ચે હાલ પાલિકા પાસે જુદા જુદા વિકાસ કામ માટે રૂપિયા 6 કરોડની ગ્રાન્ટ પડી હોવા છતાં પણ આ કામો ન થઈ શકતા ચુસ્ત નિયમોના આગ્રહી ચીફ ઓફિસર અને કેટલાક સભ્યો વચ્ચેનો ગજગ્રાહ કારણભૂત હોવાનું કહેવાય છે.
ખંભાળિયા નગરપાલિકા પાસે હાલ છ કરોડ જેટલી રકમના વિકાસ કામો થઈ શકે તેની ગ્રાન્ટ જમા છે. પરંતુ આ વચ્ચે હાલ ચોમાસાના કારણે નુકસાન પામેલા રસ્તાઓના રીપેરીંગ અંગેની કામગીરી અન્ય શહેરોમાં શરૂ થઈ ગઈ છે, તેમ છતાં પણ ખંભાળિયા નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી નથી. તેની પાછળ નગરપાલિકાના કેટલાક સદસ્યો અને ચીફ ઓફિસર વચ્ચે કહેવાતો સંઘર્ષ કારણરૂપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ વચ્ચે મહત્વની બાબતો એ છે કે નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી જનરલ બોર્ડ બોલાવવામાં આવી નથી અને તેના કારણે કામો નક્કી થયા નથી. જેના માનવામાં આવતા એક કારણ મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર નિયમોના આગ્રહી છે અને તેઓ કંઈ પણ નિયમ વિરુદ્ધ કે ખોટું ચલાવતા નથી. જેના કારણે નગરપાલિકાના કેટલાક સભ્યો દ્વારા ચીફ ઓફિસરની બદલી થાય તે પછી સામાન્ય સભાનો આગ્રહ રાખતા હોવાનું ચર્ચાયછે. આ બાબતથી શહેરની જનતા મુશ્કેલીમાં મુકાઈ રહી છે.
જો કે તાજેતરમાં જનરલ બોર્ડ પૂર્વેની સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી ખંભાળિયા નગરપાલિકામાં કરોડોની ગ્રાન્ટ પડી છે, ત્યારે ભાજપના જિલ્લા તેમજ શહેરના હોદ્દેદારો દ્વારા આ પ્રશ્ન રસ લ્યે તેવી માંગ નગરજનોમાં ઉઠવા પામી છે. આટલું જ નહીં, પાલિકાના જે કામો, રસ્તાઓ ભૂતકાળમાં થયા છે અને તે નબળા તેમજ ક્ષતિગ્રસ્ત ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવે તેમ પણ સુજ્ઞ નગરજનો ઈચ્છી રહ્યા છે.(તસ્વીર અને અહેવાલ કુંજન રાડિયા)