Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા સાત લાખની વસતિ ધરાવતાં સૌરાષ્ટ્ર-કચ્છના મહત્વપૂર્ણ એવા જામનગર શહેરનું સંચાલન કરે છે. આ સંચાલનમાં અધિકારીઓની જવાબદારીઓ અને ભૂમિકાઓ ખૂબ મહત્વની હોય છે, પરંતુ આ અધિકારીઓની સીધી ભરતીઓ અને બઢતીના મામલામાં શહેરના સેવકોને જાણે કે ખાસ કોઈ રસ ન હોય એવું વાતાવરણ કાલે મંગળવારે જનરલ બોર્ડની ખાસ બેઠકમાં જોવા મળતાં નગરજનોમાં સેવકોની ટીકાઓ થતી સાંભળવા મળી રહી છે.
કાલે મંગળવારે શાસકપક્ષે જેલ રોડ પર આવેલી કુંવરબાઈ જૈન ધર્મશાળામાં મહાનગરપાલિકાના જનરલ બોર્ડની ખાસ બેઠકનું આયોજન કરેલું. આ બેઠકને ખાસ જાહેર કરવામાં આવેલી પરંતુ માત્ર 50 મિનિટ રૂટિન વાતો સાથે પૂર્ણ થયેલું આ બોર્ડ ‘ખાસ’ રહ્યું નહીં, એવી છાપ ઉભી થઈ. ખાસ કરીને વિપક્ષના કેટલાંક સભ્યો આ ખાસ બોર્ડમાં પણ ગેરહાજર રહ્યા અને જે સભ્યો હાજર રહ્યા તેઓ વચ્ચે પણ અધિકારીઓની સીધી ભરતીઓ અને બઢતી મુદ્દે જાણે કે કોઈ ચર્ચાઓ જ ન થઈ.

વિપક્ષ કોંગ્રેસના 50 ટકા જેટલાં જ સભ્યો આ મહત્વપૂર્ણ બોર્ડમાં હાજર રહ્યા. જો કે, બહુજન સમાજ પક્ષના ત્રણેય સભ્યો હાજર હતાં. આમ છતાં અધિકારીઓની સીધી ભરતીઓ અને બઢતી માટેના નિયમોના ઘડતર માટેના આ ખાસ બોર્ડમાં નિયમો અંગે ચર્ચાઓ થઈ નહીં અને નિયમો સર્વાનુમતે પસાર કરી, 50 જ મિનિટમાં ખાસ બોર્ડ આટોપી લેવામાં આવ્યું. વિપક્ષે આ નિયમો અંગે ચર્ચાઓ કરવાને બદલે મહિના અગાઉના પૂર સંબંધે વાતો કરી. પૂરસહાયમાં મહાનગરપાલિકાનો કોઈ રોલ જ નથી, એ કામગીરીઓ કલેક્ટર કચેરી હસ્તકનું વહીવટીતંત્ર સંભાળી રહ્યું છે.
જો કે સમગ્ર બોર્ડ કાર્યવાહીઓ દરમિયાન અધિકારીઓની સીધી ભરતીઓ અને બઢતી અંગેના નિયમોની ખાસ કોઈ જાણકારીઓ પણ બોર્ડમાં રજૂ ન થઈ અને કર્મચારીઓના યુનિયનને નિયમો અંગે અસંતોષ છતાં નિયમો બોર્ડમાં પસાર થઈ ગયા ત્યાં સુધી યુનિયને ચૂં કે ચા ન કરી, પોતાનો વાંધો રેકર્ડ પર દર્શાવવાની તક પણ યુનિયન ચૂકી ગયું ! શા માટે ? એ પ્રશ્ન પણ ચર્ચાઓમાં છે. આમ એક મહત્વપૂર્ણ બોર્ડ બેઠક રૂટિન વારતાઓ સાથે પૂર્ણ થઈ ગઈ અને જામનગરના નગરજનોને આ મહત્વના નિયમો અંગે કોઈ જ જાણકારીઓ ન મળી. અધિકારીઓની સીધી ભરતીઓ અને બઢતીમાં રોસ્ટર વગેરે સંબંધી શું કાર્યવાહીઓ થશે, એ અંગે નિષ્પક્ષ અને લંબાણથી ચર્ચાઓ જરૂરી હતી અથવા બોર્ડ સમક્ષ આ બધી બાબતો ખૂલવી જોઈતી હતી, જે ન ખૂલી !
