Mysamachar.in-જામનગર;
જામનગરમાં શાંતિ હાર્મોનીમાં રહેતા પર પ્રાંતિય વેપારી યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હોવાની ઘટના થોડા દિવસો પૂર્વે સામે આવ્યા બાદ આ પ્રકરણમાં પોલીસની ઊંડાણપૂર્વકની તપાસના અંતે આ વ્યક્તિએ શા માટે જીવન ટૂંકાવી લીધું તે જાહેર થયું છે, અને પોલીસે વેપારી યુવકને આત્મહત્યાની ફરજ પાડવા અંગે તેના ભાગીદાર સામે ગુનો નોંધ્યો છે.
આ અંગેની પોલીસે જાહેર કરેલ વિગતો એવી છે કે જામનગરમાં રોજી પેટ્રોલ પંપની સામે શાંતિ હારમોનીમાં વસવાટ કરતા અને કોમલ સેલ્સ એજન્સી ચલાવતા રાજેશ મોતીરામ ખન્ના નામના 42 વર્ષના વેપારી યુવાને ગત 10 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
જે બાદ મૃતકની પત્ની મમતાબેન ખન્નાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન દ્વારા મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેમાં વેપારીના આપઘાત કરવા અંગે તેમના ધંધાના ભાગીદાર જામનગરના મેહુલનગરમાં રહેતા હાર્દિક ગીરીશભાઈ વોરાની ભૂમિકા હોવાનું સામે આવતા આ પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે.
મૃતકની પત્ની દ્વારા પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યા મુજબ મૃતક રાજેશકુમાર ખન્નાએ પોતાની પેઢી કે જેમાં પતિ પત્ની બંને ભાગીદાર છે, જેના ધંધાના વિકાસ માટે પોતાના ભાગીદાર એવા હાર્દિકને અલગ અલગ લોન મારફતે પૈસા મેળવીને 50 લાખ રૂપિયા રોકાણ કરવા માટે આપ્યા હતા, અને તેના આધારે ધંધો કર્યો હતો.
પરંતુ લાંબા સમયથી ધંધાનો કોઈ હિસાબ હાર્દિક આપતો નહોતો અને નફા નુકસાની અંગેની કોઈ જાણકારી ન આપી હોવાથી રાજેશભાઈ ખન્ના આર્થિક તંગી અનુભવી રહ્યા હતા, અને પોતાને માનસિક દબાણ આવી જતાં આખરે તેમણે આત્મહત્યા કરી લેવાનો રસ્તો અપનાવી લીધો હતો. જે બાદ ગતરોજ મૃતકના પત્ની મમતાબેનની ફરિયાદના આધારે તેના પતિના ભાગીદાર હાર્દિક ગીરીશભાઈ વોરા સામે આત્મહત્યાની દુષપ્રેરણા આપવા અંગે ગુન્હો નોંધાતા પોલીસે તેની ઘરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.(symbolic image)