Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના એક પૂર્વ કેબિનેટ પ્રધાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો અદાલતે આદેશ છોડતાં ચકચાર મચી છે. આ મહાશયે જેતે સમયે ‘ખાખી’ ને સાથે રાખી રાજ્યના પાટનગરમાં ‘દાદાગીરી’ આચરી હતી, આ દાદાગીરી મંત્રીને મોંઘી પડી ગઈ છે. ભૂતકાળમાં તેઓ રાજ્યના માર્ગ મકાન વિભાગના કેબિનેટ પ્રધાન હતાં. અદાલતે પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે, જેતે સમયે આ પોલીસ અધિકારીએ પૂર્વ મંત્રી સાથે આ મામલામાં રોફ દેખાડ્યો હતો.
આ કેસની ટૂંકી વિગતો આ મુજબ છે: ગાંધીનગરમાં સેકટર-25 ખાતે 9,485 ચોરસમીટર જમીનમાં કાવેરી નામનો એક પાર્ટી પ્લોટ આવેલો છે. અરજદાર જયંતિભાઈ નાથાભાઈ પટેલ તથા અન્ય ભાગીદારો આ પાર્ટી પ્લોટની માલિકી ધરાવતાં હતાં. આ પ્લોટના હિસ્સા માટે અદાલતમાં દીવાની તકરાર પણ ચાલતી હતી. તે દરમિયાન આજથી 12 વર્ષ અગાઉ પૂર્વ કેબિનેટ પ્રધાન અરવિંદ પટેલ, સેકટર-21ના તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી.પટેલ અને એક ફોજદાર તથા રાઈટર સહિતના 3-4 પોલીસકર્મીઓ અને અન્ય શખ્સો સહિતના વીસેક જણનું ટોળું પ્લોટમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયેલું. 3 સિક્યોરીટી કર્મીઓની અટકાયત કરી પોલીસટૂકડીએ અહીં તોડફોડ કરી હતી અને પોલીસ સ્ટેશનમાં સિકયોરિટી જવાનોને ધોલધપાટ પણ કરેલી. ગાળો પણ બોલાઈ હતી. પોલીસે જેતે સમયે આ બાબતે અરજદારની ફરિયાદ દાખલ પણ કરી ન હતી.
બાદમાં આ મામલો અદાલતમાં ગયો. ડીવાયએસપી કક્ષાના અધિકારીએ તપાસ અહેવાલ તૈયાર કર્યો. આ અહેવાલના આધારે પૂર્વ કેબિનેટ પ્રધાન, તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર, ફોજદાર તથા અન્યો સામે ગુનો દાખલ કરી, ફોજદારી કાર્યવાહીઓ કરવાનો અદાલતે આદેશ આપતાં પાટનગરમાં ચકચાર મચી ગઈ છે.