Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યના રિઅલ એસ્ટેટ ક્ષેત્ર માટે ગાંધીનગરથી સારાં સમાચાર વહેતાં કરવામાં આવ્યા છે, આગામી સમયમાં ગ્રામ પંચાયતોથી માંડીને છેક જિલ્લા પંચાયતો સુધીની ચૂંટણીઓ આવી રહી હોય, લોકોના ખિસ્સા પર હમણાં કોઈ નવો બોજ ન આવે તેનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. અને, વધારામાં લોકોને ‘રાહત’ના રૂપમાં નવા પ્રકારનો લાભ પણ કરાવી આપવામાં આવશે, એમ અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે.
અત્યંત વિશ્વસનીય સૂત્ર કહે છે: સરકાર હમણાં જંત્રીના નવા અને ઉંચા દરો લોકો પર લાદવા ચાહતી નથી. આગામી મહિનાઓમાં ગ્રામ પંચાયતો, પાલિકાઓ અને કેટલીક જિલ્લા પંચાયતોની પણ ચૂંટણીઓ આવી રહી છે. આથી આ વર્ષે હવે જંત્રી દરો વધવાની શકયતાઓ જોવા મળતી નથી, એમ સચિવાલયના વર્તારા પરથી સમજાઈ રહ્યું છે. આ ઉપરાંત ભરોસાપાત્ર સૂત્ર એમ પણ ઉમેરે છે કે, લોકો ફીલગુડ નો ટેસ્ટ માણી શકે એ માટે એવું પણ બની શકે કે, સ્ટેમ્પ ડ્યૂટી તથા દસ્તાવેજ નોંધણી ફી ઘટાડી લોકોને ડબલ ખુશી આપવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 2023ના મે મહિનામાં સરકારે જંત્રીદરો બમણાં કરી દીધાં બાદ, તાજેતરના મહિનાઓ દરમિયાન સરકારે તમામ કલેક્ટરોને એ કવાયત પણ કરાવી હતી કે, તમારાં વિસ્તારમાં જંત્રીદરો તાર્કિક બનાવવા શું કરવું જોઈએ તેની વિગતો સંબંધિત પક્ષકારો પાસેથી મેળવી લ્યો. ત્યારે સહુને એમ લાગતું હતું કે, જંત્રીદરો ફરી વધશે. પરંતુ હાલ આ હિલચાલ ધીમી પાડી દેવામાં આવી છે. 2024માં જંત્રીદરો નહીં વધે એવું દેખાઈ રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ફરીથી આ ફાઇલો હાથ પર લેવામાં આવશે, તેમ માનવામાં આવે છે. અને, કેન્દ્ર સરકારે રિઅલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટ આપવા રાજ્ય સરકારને સૂચના આપેલી છે જ કે, સ્ટેમ્પ ડ્યૂટી અને દસ્તાવેજ નોંધણી ફી માં રાજ્ય સરકાર ઘટાડો કરી શકે છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, દરેક મોટાં શહેરમાં મોંઘાદાટ વિસ્તારો પૈકી કેટલાંક વિસ્તારોમાં જંત્રીદરો પ્રમાણમાં ઘણાં નીચા છે. અને, એક વાત એ પણ નિશ્ચિત માનવામાં આવે છે કે, 2025માં જ્યારે પણ નવા જંત્રીદરો જાહેર થશે, દરો ફરીથી બમણાં થઈ જશે. ગ્રામ્ય વિસ્તારોનો ‘વારો’ પહેલાં ચડી જશે, એમ પણ સૂત્ર સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે.(file image)