Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા શહેર અને પંથકના ‘વિકાસ’ સંબંધે વારંવાર અને મોટી વાતો થતી રહે છે પરંતુ સ્થાનિક સ્તરે હકીકતો એ છે કે, લાખો લોકો માટેની પાયાની સુવિધાઓ અંગે ધ્યાન અપાતું નથી, એવી લાગણી દ્વારકાના નાગરિકો ઉપરાંત બહારથી અહીં આવતાં લાખો ભાવિકો અને સહેલાણીઓ પણ અનુભવે છે. જેને કારણે સમગ્ર દેશમાં ગુજરાત સરકારની પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે. લાખો લોકો અહીંથી ખરાબ છાપ લઈને પરત ફરે છે.
અત્યાર સુધીમાં અનેક વખત યાત્રાધામ દ્વારકાના વિકાસની તથા સમગ્ર દ્વારકા પંથકના વિકાસની મોટી વાતો થઈ, મસમોટા આયોજનો થયા પરંતુ નક્કર અમલીકરણ થયું ન હોય, લોકો ‘કોણીએ ગોળ’ કહેવતને યાદ કરી રહ્યા છે. દ્વારકા ઉપરાંત યાત્રાધામ બેટ દ્વારકા, નાગેશ્વર, રૂકમણી મંદિર અને ગોપી તળાવ ખાતે પણ વિકાસલક્ષી આયોજનોની જાહેરાતો બાદ યોગ્ય અમલ નહીં અથવા અપૂરતી નિભાવ કામગીરીઓને કારણે આયોજનો ફાઈલોમાં ધૂળ ખાઈ રહ્યા હોય, એવી સ્થિતિઓ જોવા મળી રહી છે.
યાત્રાધામ અને વિકાસના નામે લાખો ભાવિકો અને સહેલાણીઓને અહીં આવવા આકર્ષિત કરવામાં આવે છે, બીજી તરફ અહીં સ્થાનિક સ્તરે સુવિધાઓનો અભાવ અને અનેક પ્રકારની હાલાકીઓ, જેને કારણે લાખો લોકો અહીં આવવા બદલ પસ્તાવો અને નારાજગીઓ વ્યક્ત કરી રહ્યા છે. જે સ્થાનિક તંત્રો માટે શરમજનક અને ચિંતાની બાબત લેખાવી જોઈએ.
દ્વારકા શહેર પંથકમાં દરરોજ આશરે 25-30 હજાર લોકો બહારથી આવે છે, જેના પર લાખો લોકો નભે છે. આમ છતાં અહીં બહારથી આવનારા ભાવિકો પાણીની સમસ્યા અનુભવે છે. દ્વારકા શહેરના નાગરિકોને પણ પાલિકા દ્વારા પૂરતાં પ્રમાણમાં પાણી વિતરણ કરવામાં આવતું નથી. અહીં દર અઠવાડીયે, પખવાડીયે અથવા 15-20 દિવસે એક વખત ચાર આની નળજોડાણ મારફતે માંડ 15-20 મિનિટ પાણી આપી શકાય એવી સ્થિતિઓ હાલ સુધી રહી છે.
કેટલાંક વર્ષોથી અહીં યાત્રાળુઓ અને પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે પણ દ્વારકાધીશ મંદિર ઉપરાંત દ્વારકા દર્શન રૂટમાં આવતાં નાગેશ્વર મંદિર, રૂકમણિ મંદિર, ગોપી તળાવ, બેટ દ્વારકા વગેરે સ્થળોએ તથા આસપાસના વિસ્તારોમાં મહદ્ અંશે સુવિધાજનક ટોયલેટ બાથરૂમ જેવી પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ નથી. છેલ્લા 15 વર્ષ દરમિયાન રિલાયન્સ રોડ, ગાયત્રી મંદિરથી સંગમ નારાયણ મંદિર વચ્ચેના બીચ, ભડકેશ્વર બીચ વગેરે સ્થળોએ અનેક કલાત્મક પિલર કાં તો તૂટી પડ્યા છે અથવા જોખમી બન્યા છે. નબળી ગુણવત્તા બાબતે ફરિયાદો પણ થઈ છે અને ખુદ તંત્ર દ્વારા આ પિલરો હટાવવામાં આવ્યા છે.
દ્વારકાના રાવળા તળાવ ખાતે કરોડોના વિકાસકામો થયા છતાં તેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરી શકાતા આ કામો શોભાના ગાંઠીયા સમાન પૂરવાર થઈ રહ્યા છે. લાખોના ખર્ચે ઉભા કરાયેલા એલઈડી ટાવર ઉપયોગ વિના જ જમીનદોસ્ત થયા છે. આ પ્રકારની નબળી ગુણવત્તાની કામગીરીઓ સામે અનેક પ્રકારની ફરિયાદો છતાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કયારેય કોઈ પગલાંઓ કે દંડાત્મક કાર્યવાહીઓ થઈ નથી, જેને કારણે સત્તાવાળાઓ સંબંધે અનેક તર્કવિતર્ક પણ થઈ રહ્યા છે.
શિવરાજપુર બીચ ખાતે હજુ પણ બીચ ડેવલપમેન્ટના નામે કોઈ એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં નાણાં ઉઘરાવવામાં આવે છે. પુખ્ત વ્યક્તિદીઠ રૂ. 20ની ટિકિટ છે અને સાંજે 6 વાગ્યે બીચ બંધ કરી દેવામાં આવે છે. દ્વારકામાં જેતે સમયે સુરક્ષાની વ્યવસ્થાઓ ગોઠવવાને બદલે સુરક્ષાનું કારણ આગળ ધરી સુદામાસેતુ બંધ કરી દેવામાં આવેલ છે. લાંબા સમયથી બંધ છે. અને, આજ દિન સુધી અહીં સમારકામ કામગીરીઓ કરવામાં આવી નથી.
દ્વારકાને હવાઈ સુવિધાઓ આપવા એર સ્ટ્રીપ સંબંધે 4-4 વખત જાહેરાતો થઈ છતાં આજની તારીખે આ દિશામાં નક્કર કામગીરીઓ હાથ ધરવામાં આવી નથી. ખંભાળીયા નજીક એર સ્ટ્રીપની પણ જાહેરાત થઈ હતી, ત્યાં પણ પરિણામલક્ષી કામગીરીઓ કે કાર્યવાહીઓ થઈ નથી. યાત્રાધામ દ્વારકામાં મંદિર આસપાસ ટ્રાફિક વ્યવસ્થાઓ, નિયમન અંગે ધ્યાન અપાતું ન હોય, લોકો હાલાકીઓ વેઠી રહ્યા છે. મંદિર આસપાસની સાંકડી ગલીઓ અને બજારોમાં વેપારીઓ દ્વારા થતાં દબાણો વિરુદ્ધ પગલાંઓ લેવામાં વહીવટદાર (ચીફ ઓફિસર) સંચાલિત પાલિકા કાયમ ઉણી ઉતરી રહી છે. શહેરમાં આડેધડ વાહનવ્યવહાર અને બેફામ રખડતાં પશુઓ અને પશુઓની આંતરિક લડાઈને પરિણામે ઉભી થતી ભયજનક સ્થિતિઓ વગેરેને કારણે સૌ પરેશાન છે, છતાં સત્તાવાળાઓ નિશ્ચિંત હોય એવું દેખાઈ રહ્યું છે.