Mysamachar.in-જામનગર:
જામનગરના હાપા વિસ્તારમાં ગણેશ મહોત્સવના પંડાલમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બનતાં ગુરૂવારે રાત્રે ભારે દોડધામ મચી ગઈ હતી અને એક તબક્કે તો હોસ્પિટલમાં બેડની તંગી સર્જાતા ઉહાપોહ પણ થયો હતો જો કે બાદમાં સૌને રાહત મળી કેમ કે તમામ 80 જેટલાં લોકોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી અને અમુકની સારવાર ચાલી રહી છે.
જાહેર થયેલી વિગતો અનુસાર, ફૂડ પોઈઝનિંગનો આ બનાવ ગણેશ મહોત્સવ દરમિયાન હાપાની એલગન સોસાયટી વિસ્તારમાં બન્યો હતો. ગણેશ મહોત્સવ દરમ્યાન અહીં અંદાજે 80 જેટલાં લોકોને પ્રસાદમાં મસાલાવાળા ભાત આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસરો જોવા મળી હતી. આ 80 લોકોમાં 50 થી વધુ બાળકો હોવાને કારણે આયોજકો અને ભાવિકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતાં.
આ તમામ લોકોને ફટાફટ જામનગરની જીજી હોસ્પિટલમાં તાકીદની પ્રાથમિક સારવાર આપવામાં આવતાં બધાં જ ભાવિકો પુન: સ્વસ્થ થઈ ગયા હતાં અને તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, સમૂહજમણના કિસ્સાઓમાં સ્વચ્છતા સહિતની બાબતોમાં ચોકસાઈ વગેરે જાળવવા સત્તાવાળાઓ દ્વારા સૌને અવારનવાર તાકીદ પણ કરવામાં આવતી હોય છે.