Mysamachar.in-અમદાવાદ:
સરકારી અને ખાનગી વાહનો ઉંમરની દ્રષ્ટિએ ‘સિનિયર’ બની જાય એટલે તેને ‘ભંગાર’ જાહેર કરી દેવા અંગેની સ્ક્રેપિંગ પોલિસી ઘણાં સમયથી ચર્ચાઓમાં છે અને વાહનોની ફીટનેસનો મુદ્દો પણ ગાજી રહ્યો છે, એવા સમયે હવે વાહનો દ્વારા છોડવામાં આવતાં પ્રદૂષણ પર પણ મામલો ફોક્સ થાય એવી શકયતાઓ દિલ્હીથી વહેતી થઈ છે. જેને કારણે ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં જબરો ગણગણાટ શરૂ થયો છે.
વાહનોની સ્ક્રેપિંગ પોલિસીમાં આગામી સમયમાં ફેરફાર આવી શકે છે એવો સંકેત કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ સચિવ અનુરાગ જૈને આપ્યો છે. જૈને કહ્યું: મંત્રાલય વાહનોના સ્ક્રેપિંગમાં તેની ઉંમરના બદલે પ્રદૂષણ સ્તર જોડવાની શકયતાઓ અંગે વિચારણા કરી રહ્યું છે. ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ સોસાયટીની વાર્ષિક બેઠકમાં તેમણે આમ જણાવતાં ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં ભારે ગણગણાટ શરૂ થયો છે.
અહીં પ્રશ્ન એ છે કે, વાહનોનું પ્રદૂષણ માપવાની કોઈ વિશ્વસનીય વ્યવસ્થા આપણે ત્યાં છે ? PUC કેન્દ્રો કેવી રીતે કામ કરે છે, તે પણ સૌ જાણે છે. આ કેન્દ્રોમાં ટેકનોલોજિ પણ આધુનિક નથી. વાત પ્રદૂષણની હોય કે ફીટનેસ પ્રમાણપત્રની- આપણે ત્યાં આવા પ્રમાણપત્રો મેળવવા સૌ સંબંધિતો માટે ડાબા હાથનો ખેલ છે અને પૈસા ફેંકો, તમાશા દેખો સાર્વત્રિક બાબત બની ચૂકી છે. 01-04-2022 થી આપણે ત્યાં સ્ક્રેપિંગ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ તેનો અમલ દિલ્હી સિવાય કયાંય ફરજિયાત કરવામાં આવ્યો નથી. જે અત્રે ઉલ્લેખનિય છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય આ સ્ક્રેપિંગ પોલિસી આખા દેશમાં લાગુ કરાવી શક્યું નથી. કેટલાંક રાજ્યોએ તો પોતાની અલગથી સ્ક્રેપિંગ પોલિસી બનાવી છે. લોકોનો મત એવો છે કરોડો લોકો જિંદગીમાં એક જ વખત, એક જ વાહન ખરીદી શકે છે, આ સ્થિતિમાં વાહનની માત્ર ઉંમર જોઈ વાહનને ભંગારમાં ફેંકી દેવું સૌને ન પાલવે. હરતીફરતી અને પ્રદૂષણ ન ફેલાવતી ગાડી કોઈ ભંગારમાં શા માટે ફેંકી દે ? નાગરિકોએ આવી પણ દલીલો કરી હોય, કેન્દ્ર સરકારે આ સ્ક્રેપિંગ પોલિસી દેશભરમાં ઠોકી બેસાડી નથી. સ્ક્રેપિંગ પોલિસી દુનિયાના અનેક દેશોમાં છે. ફરજિયાત એક પણ દેશમાં નથી. હાલનો નિયમ એવો છે કે, નવું વાહન રજિસ્ટ્રેશન થયા બાદ 15 વર્ષ આરામથી ચલાવી શકાય છે, આ મુદ્દત પૂર્ણ થઈ જાય પછી 60 દિવસમાં રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવું પડે. જે ફીટનેસના આધારે થઈ શકે. પછી દર પાંચ વર્ષે રિન્યુ કરાવવું પડે.(symbolic image)